પ્રશાંત ગજ્જર, Anand News: આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને શરૂ થયેલો રાજકીય અને કાયદાકીય વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભાજપ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન પરત ખેંચી લેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ નિર્ણયને કોંગ્રેસે પોતાની રાજકીય જીત ગણાવી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. જ્યારે ભાજપે સ્પષ્ટતા કરી છે કે, અરજીનો મુખ્ય હેતુ પૂર્ણ થઈ જતાં પિટિશન પરત લેવામાં આવી છે.
હકીકતમાં આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આદિજાતિ ઉમેદવાર માટે આરક્ષિત છે. ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલ પાસે મહારાષ્ટ્રનું આદિજાતિ સર્ટિફિકેટ હોવાના કારણે ચૂંટણી અધિકારીએ તેમનું ઉમેદવારીપત્ર અમાન્ય જાહેર કર્યું હતું.
જો કે ભાજપે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી સ્ટે મેળવ્યો હતો. કોર્ટના આદેશ બાદ મયુરીબેનનું ફોર્મ માન્ય રહ્યું અને તેઓ બહુમતી સાથે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હાલ તેઓ જ પ્રમુખ તરીકે કાર્યરત છે.
બંને પક્ષોના સામસામે પ્રહારો
તાજેતરમાં ભાજપે હાઈકોર્ટમાંથી મૂળ પિટિશન પરત ખેંચી લેતા કોંગ્રેસે તેને ભાજપનો કાયદાકીય પરાજય ગણાવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, જો ભાજપનો કેસ મજબૂત હોત તો અરજી પરત ખેંચવાની જરૂર પડતી નહીં.
ભાજપ પક્ષનો દાવો હાઈકોર્ટમાં અરજી કરવાનો ઉદ્દેશ માત્ર ઉમેદવારીપત્રને માન્યતા અપાવવાનો હતો. રાહત મળ્યા બાદ પ્રમુખ ચૂંટાઈ જતાં અરજીનો હેતુ પૂર્ણ થયો છે. કોંગ્રેસે આજદિન સુધી ચૂંટણીને પડકારતી કોઈ સ્વતંત્ર અરજી કોર્ટમાં કરી નથી.
હાલ બંને પક્ષો પોતાના સમર્થકો સમક્ષ જીતનો દાવો કરી રહ્યા છે. જિલ્લા પંચાયતની આ ખેંચતાણ હવે સ્થાનિક રાજકારણમાં પ્રભાવ અને પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. આગામી દિવસોમાં જો આ મુદ્દે કોઈ નવી કાયદાકીય કાર્યવાહી થશે, તો મામલો ફરી ગરમાઈ શકે છે.
