Canada Accident: કેનેડામાં કાર અકસ્માતમાં આણંદના વિદ્યાર્થીનું મોત, કોલેજમાં ડિગ્રી લેવા જતી વખતે કાળ ભરખી ગયો

કેનેડાની ફ્રેન્ચ નદી નજીક હાઈવે 69 પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો. કારમાં સવાર અન્ય બે મિત્રોની હાલત ગંભીર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Jun 2026 04:23 PM (IST)Updated: Thu, 11 Jun 2026 04:24 PM (IST)
anand-news-anand-youth-dies-in-a-car-accident-in-canada-two-friends-injured
મૃતક દિવ્યકુમાર પટેલ
HIGHLIGHTS
  • ઓડના પટેલ પરિવારના માથે આભ ફાટ્યું

Canada Car Accident: વિદેશની ધરતી પર ઉજ્જવળ ભવિષ્ય ઘડવાના સપના સાથે ગયેલા ગુજરાતી યુવાનો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મૂળ આણંદ જિલ્લાના ઓડ શહેરના વતની અને હાલ આણંદ ખાતે રહેતા દિવ્યકુમાર પટેલ (21)નું કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. પુત્ર ઉચ્ચ શિક્ષણ મેળવીને ડિગ્રી લેવા જઈ રહ્યો હતો, તે જ સમયે કાળ ભેટી જતાં વતનમાં રહેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

કોલેજ જતા સમયે કાળનો પંજો ત્રાટક્યો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઓડ શહેરના પૂર્ણિમા ચોકના વતની અને હાલ આણંદમાં સ્થાયી થયેલા કિરણભાઈ કનુભાઈ પટેલનો પુત્ર દિવ્યકુમાર પટેલ કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતા.

ગત 9 જૂન, 2026ના રોજ દિવ્યકુમાર પોતાની કાર લઈને કોલેજમાં ડિગ્રી મેળવવા માટે ઉત્સાહભેર નીકળ્યા હતા. આ દરમિયાન કેનેડામાં ફ્રેન્ચ નદી નજીક આવેલા હાઈવે 69 પર તેમની કારને એક ગંભીર અકસ્માત નડ્યો હતો.

બે મિત્રો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાતા

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને દિવ્યકુમારનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે કારમાં દિવ્યકુમારની સાથે રહેલા તેના અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને બચાવ કામગીરીની ટીમે તાત્કાલિક ધોરણે બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

એક બાજુ દીકરો કેનેડા જેવા દેશમાં ભણી-ગણીને ડિગ્રી મેળવવાનો હતો, જેથી પરિવારમાં ખુશી અને ગર્વનો માહોલ હતો. પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. દીકરાની ડિગ્રી મેળવવાની આ અણમોલ ક્ષણ અચાનક કાયમી શોકમાં ફેરવાઈ ગઈ છે.

21 વર્ષના આશાસ્પદ યુવકના અકાળે અને આકસ્મિક અવસાનના સમાચાર આણંદ અને ઓડ ખાતે રહેતા તેમના સગા-સંબંધીઓ સુધી પહોંચતા જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. વિદેશમાં દીકરા ગુમાવનારા માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.