Anand News: આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આઝાદીના સમયથી ઉચ્ચ શિક્ષણ માટે કોઈ કોલેજ ન હોવાની ખોટ હવે પૂરાવા જઈ રહી છે. તારાપુરના વતની અને હાલ અમેરિકા સ્થિત એક એનઆરઆઈ નાગરિકે માદરે વતનનું ઋણ ચૂકવતા કોલેજ બનાવવા માટે પોતાની 11 કરોડ રૂપિયાની કિંમતી જમીન દાનમાં આપી છે.
45 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તારાપુર નગરના વતની હસમુખભાઈ શિવાભાઈ પટેલ છેલ્લા 45 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને ત્યાં વ્યવસાય ક્ષેત્રે સારી આર્થિક સદ્ધરતા ધરાવે છે. તારાપુરમાં આઝાદી કાળથી એક પણ કોલેજ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી નિવારવા તેમણે આ ઉમદા પગલું ભર્યું છે.
હસમુખભાઈ પટેલ જ્યારે પોતે વિદ્યાર્થી હતા ત્યારે તેમને કોલેજના અભ્યાસ માટે તારાપુરથી ખંભાત સુધી અપડાઉન કરવું પડતું હતું. આ મુસાફરી દરમિયાન તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તે સમયે જ તેમણે સંકલ્પ કર્યો હતો કે ભવિષ્યમાં સક્ષમ બન્યા બાદ તેઓ વતનના વિદ્યાર્થીઓ માટે કંઈક કરશે. પોતાનું એ વર્ષો જૂનું સપનું સાકાર કરતા તેમણે સોજીત્રા-તારાપુર સંયુક્ત વિધાનસભાના ધારાસભ્ય વિપુલ પટેલને કોલેજ નિર્માણ અર્થે જમીન અર્પણ કરી છે.
જમીન દાનમાં આપવા બદલ સન્માન સમારંભનું આયોજન
આ દાન પાછળનો મુખ્ય આશય તારાપુરના યુવક-યુવતીઓને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તે છે. કોલેજ બનવાથી વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે અન્ય શહેરોમાં જવું નહીં પડે અને અપડાઉન કરવાની હાલાકીમાંથી મુક્તિ મળશે.12 કરોડની જમીનનું માતબર દાન કરવા બદલ તારાપુરના નગરજનો દ્વારા હસમુખભાઈ પટેલનો આભાર માનવા માટે એક વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં તારાપુરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને દાતાની આ શિક્ષણપ્રેમી ભાવનાને બિરદાવી હતી.
ખંભાત રોડ પર આવેલી એક કિંમતી જમીન તારાપુરના સર્વાંગી વિકાસ માટે સમર્પિત કરવામાં આવી છે, જેના થકી શહેરમાં મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓના નિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. આ ભૂમિદાન ઉપરાંત, તેમણે તારાપુર નગરપાલિકાના બાકી વીજ બિલ ભરવા માટે અગાઉ રૂ. 20 લાખ અને સમારંભ દરમિયાન રૂ. 11 લાખ મળીને કુલ રૂ. 31 લાખનું દાન આપ્યું છે. તેમજ મદનમોહન હવેલીના હોલ માટે રૂ. 25 લાખ અને તારાપુર APMC માટે રૂ. 25 લાખ એમ કુલ રૂ. 50 લાખનું વધારાનું દાન પણ કરીને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
