Loading...

Anand: વાસદ-બગોદરા હાઈવે પર રૂ. 1.51 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસને ભાળી ડ્રાઈવર ભાગી છૂટ્યો

ભારેલ ગામની સીમમાં આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં ઉભી રહેલી ટ્રકની તલાસી લેતા ચોખાની કણકી ભરેલા કોથળાની આડમાં વિદેશી દારૂની 968 પેટીઓ છૂપાવેલી મળી આવી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 31 Jan 2026 06:33 PM (IST)Updated: Sat 31 Jan 2026 06:33 PM (IST)
anand-lcb-busts-major-liquor-smuggling-racket-driver-absconds-683112
HIGHLIGHTS
  • પોલીસે શરાબનો જથ્થો અને ટ્રક સહિત 1.66 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

Anand: આણંદ જિલ્લાના વાસદ-બગોદરા હાઈવે પર આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં સહયોગ હોટલના પાર્કિંગમાં ઉભી રહેલ ટ્રકમાં ચોખાની કણકીની આડમાં સંતાડેલો રૂ. 1.51 કરોડથી વધુની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સ્પષ્ટ સૂચના મુજબ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન LCBના એ.એસ.આઈ. મહિપાલસિંહ જગદીશસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, ભારેલ ગામની સીમમાં આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં એક અશોક લેલન ટ્રક ઊભી છે, જેમાં ચોખાની કણકી ભરેલા કોથળાઓની આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે.

આ બાતમીને આધારે LCBની ટીમે તાત્કાલિક હોટલ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ટ્રકનો ડ્રાઈવર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે ટ્રકની સઘન તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમિયાન ટ્રકના ઉપરના ભાગમાં ચોખાની કણકીના કોથળાઓ મૂકેલા હતા અને તેના નીચે છૂપાવવામાં આવેલી કુલ 968 પેટીઓમાંથી 25,994 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

ઝડપાયેલા મુદ્દામાલમાં અંદાજે રૂ.1,51,00,800/- કિંમતની વિદેશી દારૂની બોટલો, રૂ.15,00,000/- કિંમતની અશોક લેલન ટ્રક તથા રૂ.50,000/- કિંમતની ચોખાની કણકીના 500 કોથળાનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ રૂ.1,66,50,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર મામલે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. LCBના PI એચ.આર. બ્રહ્મભટ્ટ, PSI આઈ.જે. રાણા, ASI મહિપાલસિંહ તથા તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે. હાલ પોલીસ ફરાર ટ્રક ચાલક તેમજ દારૂ હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.