Anand News Today (15 June 2026): આણંદના આજના મહત્વના સમાચાર, વાંચો એક ક્લિકમાં

આણંદ શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 15 Jun 2026 11:02 AM (IST)Updated: Mon, 15 Jun 2026 11:02 AM (IST)
anand-latest-news-today-live-updates-on-15-june-2026

Anand News Today Live (15 June 2026): આણંદ શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.

આણંદ: ગામડીથી ગુરુદ્વારા સર્કલ વચ્ચે વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન જાહેર

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગામડીથી ગુરુદ્વારા સર્કલ તરફ જતા રસ્તા પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. નવી વ્યવસ્થા મુજબ, ગામડીથી શહેર તરફ આવતા વાહનો હવે ગણેશ ચોકડી રેલ્વે ઓવરબ્રિજ થઈને અમૂલ ડેરી તરફ જઈ શકશે, જ્યારે આણંદથી પરત ફરતા વાહનોએ પણ આ જ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશ 20 જૂન, 2026 સુધી અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

બોરસદના નારાયણદેવ મંદિરમાં કૃષ્ણ-રુક્મણી વિવાહોત્સવ ઉજવાયો

બોરસદના શ્રી નારાયણદેવ મંદિરમાં અધિક માસ નિમિત્તે કૃષ્ણ-રુક્મણી વિવાહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પંડ્યા પરિવાર દ્વારા કન્યાદાનની વિધિ સંપન્ન થઈ હતી, જ્યારે સૂર્યકાન્ત દવે (મફતભાઈ મહારાજ) ના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને મહિલાઓના પરંપરાગત ફટાણાથી મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આ ધાર્મિક મહોત્સવમાં મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનો સહિત હરિભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સારસામાં ઇથેનોલ ફેક્ટરી સામે પ્રચંડ વિરોધ: ગ્રામજનો રસ્તા પર ઉતર્યા

સારસામાં પ્રસ્તાવિત ઇથેનોલ ફેક્ટરી સામે રવિવારે સંત અવિચલદાસજી મહારાજની આગેવાનીમાં સેંકડો ગ્રામજનોએ એકઠાં થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેતી અને પશુપાલન પર નિર્ભર સ્થાનિકોએ આ પ્રોજેક્ટથી પર્યાવરણ, પાણી અને જાહેર આરોગ્ય પર ગંભીર અસરો થવાની ભીતિ વ્યક્ત કરી છે. ફેક્ટરી સંચાલકો તરફથી સંતોષકારક સ્પષ્ટતા ન મળતા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી સુરક્ષા અને પારદર્શિતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

આણંદમાં 270 જર્જરિત મિલકતોને નોટિસ

આણંદ નગરપાલિકાએ ચોમાસા પૂર્વે શહેરની 270 જેટલી ભયજનક અને જર્જરિત મિલકતોને નોટિસ ફટકારી છે, પરંતુ તંત્રની આ પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર સીમિત રહી હોવાનું જણાય છે. શહેરના મુખ્ય માર્ગો અને ગામતળ વિસ્તારોમાં આવેલી દાયકાઓ જૂની સરકારી અને ખાનગી ઇમારતો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે તંત્ર માત્ર નોટિસ ચોંટાડીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયું છે. હજારો રાહદારીઓના જીવનું જોખમ હોવા છતાં, નોટિસ આપ્યા બાદ પાલિકા દ્વારા કોઈ મોનિટરિંગ કરવામાં ન આવતા સ્થાનિકોમાં તંત્રની નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.