Anand News Today (11 June 2026): આણંદના આજના મહત્વના સમાચાર, વાંચો એક ક્લિકમાં

આણંદ શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 11 Jun 2026 11:36 AM (IST)Updated: Thu, 11 Jun 2026 11:36 AM (IST)
anand-latest-news-today-live-updates-on-11-june-2026

Anand News Today Live (11 June 2026): આણંદ શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.

કેનેડામાં કોલેજની ડિગ્રી લેવા જતી વખતે માર્ગ અકસ્માતમાં આણંદના યુવકનું મોત

આણંદ જિલ્લાના ઓડ શહેરના 21 વર્ષીય યુવક દિવ્યકુમાર પટેલનું કેનેડામાં ફ્રેન્ચ નદી પાસે હાઈવે 69 પર સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ અકસ્માત 9 જૂનના રોજ ત્યારે સર્જાયો હતો જ્યારે દિવ્યકુમાર પોતાની કારમાં કોલેજની ડિગ્રી મેળવવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં કારમાં સવાર અન્ય બે મિત્રો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે વિદેશ ગયેલા આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી ઓડ અને આણંદમાં વસતા તેમના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

કરમસદ આણંદ મનપાની કાર્યવાહીઃ સર્વોદય આઈસ્ક્રીમ અને મસ્તી લસ્સી પાસેથી 43 હજારનો દંડ વસૂલાયો

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર આર. એન. ડોડીયાની સુચના મુજબ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાજેશ પટેલ અને તેમની ટીમ દ્વારા આજે આકસ્મિક આણંદ ખાતેની વિવિધ હોટલો અને ખાણીપીણીની જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમુલ ડેરી રોડ પર આવેલ લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ, સર્વોદય આઇસ્ક્રીમ અને ગંજ વિસ્તારમાં આવેલ લારી મસ્તી લસ્સી સેન્ટરમાં આકસ્મિક ધોરણે તપાસ હાથ ધરતા સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો હતો.

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા 22000, સર્વોદય આઈસ્ક્રીમ પાસેથી રૂપિયા 20,000 અને મસ્તી લસ્સી સેન્ટરની લારીવાળા પાસેથી રૂપિયા 1000 મળીને વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. 43,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમના અધિકારીના જણાવ્યા મુજબ મનપા વિસ્તારની ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ ખાતે તપાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખાણી પીણીના એકમો સ્વચ્છતા અને હાઈજીન રાખે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

6194 લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 હજારથી વધુ પરિવારોનું ગૃહપ્રવેશનું સ્વપ્ન સાકાર થયું છે. આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત છેલ્લા સાત વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહેઠાણની સુવિધા પૂરી પાડવાના લક્ષ્યાંક સાથે કુલ 6854 લાભાર્થીઓના આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. તંત્રની સતત દેખરેખ અને ઝડપી કામગીરીને પરિણામે મંજૂર થયેલા આવાસો પૈકી અત્યાર સુધીમાં 6194 લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પાકા મકાનો મળવાને કારણે હજારો પરિવારોને સુરક્ષિત અને સુવિધાયુક્ત છત્ર પ્રાપ્ત થયું છે.

મોગરની અંબિકા ડેરીમાં એલસીબીના દરોડા: 400 કિલો ભેળસેળયુક્ત માવો-પનીર જપ્ત

આણંદ એલસીબી અને ફૂડ વિભાગની ટીમે મોગર ગામની સીમમાં આવેલી અંબિકા ડેરી પર દરોડો પાડી આશરે 400 કિલો જેટલો શંકાસ્પદ અને દુર્ગંધયુક્ત માવો તથા પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. વજન વધારવા માટે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ અને બ્લોટિંગ પેપર જેવી અખાદ્ય વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા સાથે તંત્રએ તમામ નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલ્યા છે. અત્યંત ગંદકી અને અસ્વચ્છ વાતાવરણમાં તૈયાર કરાયેલો આ જથ્થો ગુજરાત સહિત મહારાષ્ટ્રના મીઠાઈના મોટા વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.