Anand News Today (10 June 2026): આણંદના આજના મહત્વના સમાચાર, વાંચો એક ક્લિકમાં

આણંદ શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 10 Jun 2026 11:45 AM (IST)Updated: Wed, 10 Jun 2026 11:45 AM (IST)
anand-latest-news-today-live-updates-on-10-june-2026

Anand News Today Live (10 June 2026): આણંદ શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.

આંકલાવના ઉમેટા બ્રિજ પર અકસ્માત: ટ્રાફિક જામથી મુસાફરો અટવાયા

આણંદ જિલ્લાના આંકલાવ સ્થિત ઉમેટા મહીસાગર બ્રિજ પર આજે એક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ટક્કરના પગલે બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી.

આણંદ-કરમસદમાં 14 જૂન સુધી સાત દિવસીય સઘન સફાઈ ઝુંબેશ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે 8 જૂનથી 14 જૂન દરમિયાન સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં સપ્તાહભરની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ અભિયાનમાં દરરોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર, બાકરોલ અને કરમસદ સહિતના મુખ્ય જાહેર સ્થળો પર જનભાગીદારી સાથે સફાઈ કામગીરી કરવામાં આવશે. જાહેર માર્ગોને કચરામુક્ત કરવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલું આ અભિયાન 14 જૂને આણંદ-બોરસદ ચોકડી ખાતે સંપન્ન થશે.

આણંદમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ મેળા યોજાયા; ફેરિયાઓને સ્થળ પર જ લોન સહાય

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ મોગરી અને ગામડી ખાતે 'લોક કલ્યાણ મેળા' યોજીને નાના ફેરિયાઓને આર્થિક સહાય અને ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ફેરિયાઓને 15,000 થી 50,000 સુધીની લોન ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ બેંકોના સંકલનથી સ્થળ પર જ ફોર્મ ભરવાની અને લોન મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયાના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઝુંબેશ જૂન 2026 સુધી દર સોમવાર અને મંગળવારે ચાલુ રાખવામાં આવશે જેથી વધુમાં વધુ શ્રમિકોને આત્મનિર્ભર બનાવી શકાય.

આણંદમાં રક્તપિત્ત સામે મહાઅભિયાન: 13 લાખ ઉપરાંત નાગરિકોનું કરાશે સઘન સ્ક્રીનિંગ

આણંદ જિલ્લામાં રક્તપિત્તને જડમૂળથી નાબૂદ કરવાના હેતુથી 18 જૂન સુધી 'લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન' હાથ ધરવામાં આવ્યું છે, જે હેઠળ 183 ગામોના અંદાજે 13,00,000 નાગરિકોનું સઘન આરોગ્ય પરીક્ષણ કરાશે. આશા બહેનો અને સ્વયંસેવકોની 1,188 વિશેષ ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને શારીરિક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઝુંબેશના પ્રથમ દિવસે જ 1,47,228 લોકોની તપાસ દરમિયાન 3 નવા કેસ મળી આવતા તેમની ત્વરિત સારવાર શરૂ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્રે આ ગંભીર બીમારીના વહેલા નિદાન અને મફત સારવાર માટે નાગરિકોને આરોગ્ય કર્મીઓને પૂરતો સહયોગ આપવા અપીલ કરી છે.