Facebook Love Story: "પ્રેમને કોઈ સરહદો નડતી નથી" – આ ઉક્તિને સાબિત કરવા નીકળેલી એક બાંગ્લાદેશી યુવતીની પ્રેમકથા આણંદમાં દુઃખદ વળાંક પર આવીને અટકી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ પ્રણયકથા હવે કાયદાકીય જટિલતામાં ફસાઈ છે, જેના કારણે એક હસતો-ખેલતો પરિવાર વિખરાવવાની આરે આવી ગયો છે.
આણંદના લાંભવેલ ગામમાં ફેસબુકના પ્રેમ ખાતર સરહદ ઓળંગીને આવેલી બાંગ્લાદેશી યુવતી કાજલની ધરપકડ થતાં આખો પરિવાર વેરવિખેર થયો છે. બે માસૂમ બાળકોની માતાને ડીપોર્ટ કરવાની કવાયત શરૂ થતાં પતિએ સરકાર પાસે માનવતાના નાતે મદદની અપીલ કરી છે.
શું છે સમગ્ર મામલો?
લાંભવેલ ગામના તરુણકુમાર બંસીભાઈ પટેલની સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી કાજુલી (જે હાલ 'કાજલ' તરીકે ઓળખાય છે) સાથે મિત્રતા થઈ હતી. આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તે બંનેને ખબર પણ ન પડી. વર્ષો સુધી ચાલેલા આ સંબંધોમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે બાંગ્લાદેશમાં યુવતીના પરિવાર દ્વારા તેના પર અન્ય જગ્યાએ લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું.
ગેરકાયદે સરહદ પાર કરી ભારત આગમન
વર્ષ 2016માં પોતાના પ્રેમીને પામવા માટે કાજલે અત્યંત જોખમી માર્ગ પસંદ કર્યો હતો. એક પાસપોર્ટ એજન્ટ દ્વારા છેતરાયા બાદ, તે ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગી કોલકાતા થઈને આણંદ પહોંચી હતી. અહીં આવ્યા બાદ તેણે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો અને તરુણ સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી બંને એક સુખી સંસાર માણી રહ્યા હતા અને તેમને બે માસૂમ દીકરા (8 વર્ષનો ધ્યાન અને 2 વર્ષનો અર્શ) પણ છે.
એક ફોન કોલે ખોલી પોલ
રાજ્યભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે આ પરિવારની શાંતિ છીનવાઈ ગઈ. કાજલે બાંગ્લાદેશમાં રહેતી તેની બીમાર માતાને ફોન કર્યો હતો. આ કોલ ટ્રેક થતાં જ પોલીસ એક્શનમાં આવી અને 2 જૂનની રાત્રે આણંદ એલસીબીએ કાજલની ધરપકડ કરી હતી. હાલ કાજલ નારીગૃહમાં છે અને તેને ડીપોર્ટ કરવાની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.
"માનવતાના ધોરણે મદદ કરો": પતિની સરકારને કરુણ અપીલ
છેલ્લા 15 દિવસથી માતા વિના બે બાળકો વલખાં મારી રહ્યા છે. પતિ તરુણ પટેલે હૃદયદ્રાવક અપીલ કરતા જણાવ્યું હતું કે- મારી પત્ની કોઈ ગુનેગાર નથી, તે માત્ર પ્રેમને કારણે ભારત આવી હતી. તેણે હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે, તેથી જો તેને બાંગ્લાદેશ મોકલવામાં આવશે તો ત્યાંના કટ્ટરવાદી માહોલમાં તેના જીવને મોટું જોખમ છે. પરિવારે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરી છે કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવે અને કાજલને ભારતીય નાગરિકતા આપવામાં આવે.
