Amreli News: અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોને કારણે વાહનવ્યવહારને અસર થઈ રહી છે. ઓવરબ્રિજ નિર્માણ અને રસ્તા સુધારણા કામગીરી અંતર્ગત અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સાવરકુંડલા અને દામનગર ખાતે વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. આ જાહેરનામાઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે અને નિર્ધારિત સમયગાળા સુધી લાગુ રહેશે.
સાવરકુંડલા શહેરમાં નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર વૈકલ્પિક રૂટ
સાવરકુંડલા શહેરમાં નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પર ચાલી રહેલી કામગીરીને પગલે વાહનચાલકોએ તા.15 મે, 2026 સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ચલાલ તરફથી નાવલી ચોક થઈ રૂરલ પોલીસ સ્ટેશન જવા ઈચ્છતા તમામ વાહનોએ ગઢિયા પેટ્રોલપંપ તથા કુદરતી ઉપચાર કેન્દ્રવાળા રસ્તેથી પસાર થવું પડશે. જેસર રોડ તરફથી આવતા વાહનો કે જેઓ રૂરલ પોલીસ સ્ટેશનથી નાવલી ચોક તરફ જવા માગે છે, તેમણે પણ ગઢિયા પેટ્રોલપંપ તથા કુદરતી ઉપચાર કેન્દ્રવાળા રસ્તેથી પસાર થવું પડશે. જ્યારે, ચલાલ તરફથી આવતા અને મહુવા રોડ તરફ જઈ રહેલા વાહનોએ રિદ્ધિ-સિદ્ધિ ચોકથી મહુવા રોડ પરથી પસાર થવાનું રહેશે.
દામનગરથી ભુરખીયા રોડ પર ઓવરબ્રિજની કામગીરીને લઈ વૈકલ્પિક રૂટ
દામનગરથી ભુરખીયા તરફ જતા માર્ગ પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી શરૂ થઈ હોવાથી વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ, આ વ્યવસ્થા તા.15 મે, 2026 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરુકુળના આગળના ભાગેથી બજરંગનગર-છભાડિયા ફાટક થઈને અવાડા ચોકથી નગરપાલિકાના મુખ્ય માર્ગ પરથી પસાર થવાનું રહેશે. ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકાના મુખ્ય માર્ગ – અવાડા ચોકથી, છભાડિયા ફાટક, વાયા બજરંગનગર થઈને ગુરુકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પરથી પસાર થવાનું રહેશે.
સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રિજ નિર્માણ અને વૈકલ્પિક વ્યવસ્થા
સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી તમામ વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે તા.22 મે, 2026 સુધી અમલમાં રહેશે. આ હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી હાઈવે તરફથી સાવરકુંડલા શહેર થઈને મહુવા-રાજુલા તરફ જતા-આવતા તેમજ મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા તમામ ભારે અને મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ પરથી પસાર થવાનું રહેશે. સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા અને મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં પ્રવેશતા દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનોએ સૂચિત બ્રિજ (રેલવે ફાટક)ની બંને બાજુના સર્વિસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે. સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનોએ માર્કેટિંગ યાર્ડ પાસેના રેલવે અંડરપાસમાંથી પસાર થવાનું રહેશે.
