ગીરના જંગલોમાં સિંહોનું સામ્રાજ્ય: ધારીના દેવળા ગામ નજીક 10 સિંહોનું ટોળું જોવા મળ્યું, ગ્રામજનોમાં કુતૂહલ

સિંહો કોઈપણ પ્રકારની ખલેલ વગર શાંતિપૂર્ણ રીતે પસાર થઈ રહ્યા હતા, જેના દ્રશ્યો કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 05 Jun 2026 02:53 PM (IST)Updated: Fri, 05 Jun 2026 02:53 PM (IST)
amreli-news-herd-of-10-lions-spotted-near-devla-village-in-dhari

નરેન્દ્ર આહીર, Amreli News: ગીરના જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને તેમની મુક્ત અવરજવરના દ્રશ્યો હવે સામાન્ય બની રહ્યા છે. તાજેતરમાં ધારી તાલુકાના દેવળા ગામ નજીક એકસાથે 10 સિંહોનું ટોળું જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે દેવળા ગામ નજીક આવેલા જંગલ વિસ્તારને અડીને આવેલા માર્ગ પર 10 સિંહોનું એક પ્રભાવશાળી ટોળું લટાર મારતું જોવા મળ્યું હતું. જંગલના રાજાઓને એકસાથે જોઈને સ્થાનિક ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

સિંહો કોઈપણ પ્રકારની ખલેલ વગર શાંતિપૂર્ણ રીતે પસાર થઈ રહ્યા હતા, જેના દ્રશ્યો કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ગીર અને તેની આસપાસના પંથકમાં વન વિભાગના સફળ પ્રયાસો અને સિંહોના સુરક્ષિત સંવર્ધનને કારણે તેમની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સિંહોની સંખ્યા વધતા હવે તેઓ માત્ર જંગલ પૂરતા સીમિત ન રહેતા, ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવારનવાર દેખાય છે. વન્યજીવ પ્રેમીઓ માટે આ ઘટના ગીરના સિંહોના સુરક્ષિત ભવિષ્યનું એક ઉત્તમ ઉદાહરણ છે.