Loading...

ગીરના રાજાની સુરક્ષા માટે વનવિભાગ સજ્જ: સિંહોના અકસ્માતે મોત બાદ હાઈવે પર સ્પીડ બ્રેકર અને રિફ્લેક્ટર લગાવવા આદેશ; હોટસ્પોટ વિસ્તારોનું થશે મોનિટરિંગ

આ મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઉપવન સંરક્ષકો (DCF) તેમજ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ જોડાયા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 04 Feb 2026 10:04 AM (IST)Updated: Wed 04 Feb 2026 10:04 AM (IST)
amreli-news-forest-department-takes-steps-to-protect-gir-asiatic-lions-speed-breakers-and-reflectors-on-highways-after-accidental-deaths-685500

Gir Lions Protect: એશિયાટિક સિંહોના ગઢ ગણાતા સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં સિંહોની અવર-જવરવાળા માર્ગો પર થતા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં સિંહોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે કડક અને વ્યાપક પગલાં લેવાની દિશામાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

પાંચ જિલ્લાના વન અધિકારીઓ સાથે મહામંથન

આ મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઉપવન સંરક્ષકો (DCF) તેમજ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ જોડાયા હતા. ખાસ કરીને અમરેલી અને ગીરના માર્ગો પર સિંહોની અવર-જવર વધી છે ત્યારે હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર વન્યપ્રાણીઓના મોતના બનાવો અટકાવવા તે પ્રાથમિકતા બની ગઈ છે. જાન્યુઆરી માસમાં જ ત્રણ સિંહોના અકસ્માતે મોતે વનવિભાગને વધુ સાવચેત બનાવ્યો છે.

ચિંતાજનક આંકડા અને કારણો

વનવિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યુની સંખ્યા ચિંતાજનક રહી છે. કુદરતી કારણો ઉપરાંત માનવસર્જિત કારણો જેવા કે:

  • માર્ગ અકસ્માતો (વાહનો નીચે કચડાવાથી)
  • રેલવે અકસ્માતો (ટ્રેન નીચે આવવાથી)
  • ખુલ્લા કુવાઓમાં પડી જવું
  • ખેતરોની ફરતે લગાવેલા વીજ તારના ઝટકા

આ તમામ મુદ્દે પીસીસીએફ દ્વારા પાંચ જિલ્લાના ડીસીએફ (DCF) સાથે ચર્ચા કરીને કડક આદેશો આપવામાં આવ્યા છે.

સુરક્ષા માટેના મહત્વના પગલાં

સિંહોના રક્ષણ માટે વનવિભાગે હવે અન્ય સરકારી વિભાગો સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે:

  • માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન: હોટસ્પોટ વિસ્તારોમાં સ્પીડ બ્રેકર બનાવવા, રિફ્લેક્ટર લગાવવા અને સ્પષ્ટ ચેતવણી બોર્ડ મૂકવાની સૂચના અપાઈ છે.
  • લાઇટિંગ અને બોર્ડ: સિંહોની અવર-જવરવાળા વિસ્તારોમાં રાત્રિના સમયે વાહનચાલકોને દેખાય તેવા રિફ્લેક્ટર અને જરૂરી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
  • હોટસ્પોટની ઓળખ: રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ને તાત્કાલિક એવા માર્ગોની યાદી તૈયાર કરવા કહેવાયું છે જ્યાં સિંહોની અવર-જવર વધુ રહેતી હોય.
  • રેડિયો કોલર ટેક્નોલોજી: સિંહોની ગતિવિધિઓ પર નજર રાખવા અને રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે જો જરૂરી જણાય તો સિંહોને રેડિયો કોલર પહેરાવવાની તૈયારી રાખવા પણ સૂચના અપાઈ છે.

જાન્યુઆરી 2026ના ગંભીર અકસ્માતો

વર્ષની શરૂઆત જ સિંહો માટે ઘાતક રહી છે, જેમાં નોંધપાત્ર અકસ્માતો નીચે મુજબ છે:

  • 4 જાન્યુઆરી: હેમાળ ગામ પાસે અમદાવાદના કાર ચાલકે સ્વિફ્ટ કાર નીચે સિંહને કચડી નાખ્યો.
  • જાન્યુઆરી: બાલાની વાવ ગામ પાસે અજાણ્યા વાહને દીપડાને કચડી નાખ્યો.
  • 31 જાન્યુઆરી: નાગેશ્રી ટોલનાકા પાસે વિરેન્દ્ર રાઠોડ નામના આરોપીએ સિંહણને કચડીને મોત નીપજાવ્યું.

વનવિભાગ હવે સ્થાનિક ગ્રામજનો અને પ્રવાસી વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવશે, જેથી 'ગુજરાતનું ગૌરવ' ગણાતા આ વનરાજને માનવસર્જિત જોખમોથી બચાવી શકાય.