Amreli News: જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં પ્રેમસંબંધની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવતીને મળવા ગયેલા રાજેશભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના યુવક પર યુવતીના પિતા અને અન્ય શખ્સોએ લાકડીઓ અને પાઈપો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રેમસંબંધનો કરુણ અંત
પ્રાપ્ત વિગતો મુજબ, કડિયાળી ગામના રહેવાસી રાજેશ બાંભણિયાને સ્થાનિક યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જે યુવતીના પરિવારજનોને મંજૂર નહોતો. ગત રોજ રાજેશભાઈ યુવતીને મળવા માટે ગયા હતા, ત્યારે યુવતીના પિતા સહિતના પરિવારજનોએ તેમને રંગેહાથ પકડી લીધા હતા. આવેશમાં આવેલા પરિવારે રાજેશ પર તૂટી પડીને તેને બેરહેમીથી ઢોર માર માર્યો હતો.
લોહીલુહાણ અને બેભાન હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા જ કડિયાળી ગામમાં તંગદિલી વ્યાપી ગઈ છે.
DYSP અને LCB ની ટીમો એક્શનમાં
આ સનસનાટીભર્યા હત્યાકાંડની જાણ થતાં જ જાફરાબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
DYSP નયના ગોરડિયાએ જણાવ્યું હતું કે, "કડિયાળી ગામમાં પ્રેમસંબંધની બાબતમાં યુવકની માર મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા જાફરાબાદ પીઆઈ મુકેશ દેસાઈ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની અલગ-અલગ ટીમો બનાવી દેવામાં આવી છે. ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે અને ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરી લેવામાં આવશે."
