અમરેલીમાં આરોગ્ય કેન્દ્રના કામમાં ગેરરીતિ: મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ત્રણ એન્જિનિયરને શો-કોઝ નોટિસ

આ કામ માટે કોન્ટ્રાક્ટર એજન્સી મેસર્સ કનક બિલ્ડર્સને પણ નોટિસ અપાઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 06 Jun 2026 02:37 PM (IST)Updated: Sat, 06 Jun 2026 02:37 PM (IST)
amreli-health-center-poor-construction-show-cause-notice-to-engineers-by-praful-pansheriya

Amreli News: ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યોમાં ગુણવત્તા અને પારદર્શકતા જાળવવા માટે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગના બાંધકામમાં જોવા મળેલી ગંભીર બેદરકારી બદલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી જવાબદાર એન્જિનિયરોને કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારવામાં આવી છે.

હલકી કક્ષાનું બાંધકામ અને નબળી ગુણવત્તા

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં નિર્માણ પામી રહેલા આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરના કામમાં હલકી કક્ષાની સામગ્રી અને વિલંબ બદલ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU) દ્વારા જારી કરવામાં આવેલ નોટિસ મુજબ, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચામરડી અને ઈંગોરાળા ગામમાં "નવા સબ સેન્ટર (G+1) બિલ્ડિંગ અને કમ્પાઉન્ડ વોલ" નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 

આ પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાંધકામમાં વપરાતી રેતી અત્યંત હલકી કક્ષાની અને અયોગ્ય છે. આ ઉપરાંત, બાંધકામની ગુણવત્તા પણ નિર્ધારિત માપદંડ મુજબ જોવા મળી નથી, જે ટેન્ડરની શરતોનું સીધું ઉલ્લંઘન છે.

ત્રણ એન્જિનિયરોને શો-કોઝ નોટિસ ફટકારી

આ ગંભીર બેદરકારી બદલ PIU હેલ્થ ઝોન-2 અમરેલીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, આ અધિકારીઓ પ્રોજેક્ટનું અસરકારક મોનિટરિંગ અને ક્વોલિટી કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

આ સાથે જ કોન્ટ્રાક્ટર એજન્સી 'મેસર્સ કનક બિલ્ડર્સ' ને પણ નોટિસ અપાઈ છે. તમામ જવાબદારોને 7 દિવસની અંદર લેખિત ખુલાસો કરવાનો રહેશે. જો સંતોષકારક જવાબ નહીં મળે, તો અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સહિતની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.