Loading...

અમરેલીમાં લગ્નનો મંડપ બન્યો રણમેદાન; રોટલી પીરસવા બાબતે જાનૈયા-માંડવીયા વચ્ચે ધીંગાણું, લાકડી અને પાઈપો ઉછળી

જાનૈયા-માંડવીયા વચ્ચે મારામારી થતા લાકડી અને પાઈપો ઉછળી હતી. બનાવમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં 2 ની હાલત ગંભીર છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 27 Jan 2026 10:53 AM (IST)Updated: Tue 27 Jan 2026 10:53 AM (IST)
amreli-dhari-wedding-clash-fight-between-janaiya-and-mandaviya-15-injured-680571
HIGHLIGHTS
  • ધારીના ખીસરી ગામે યોજાયેલ લગ્ન પ્રસંગ લોહિયાળ બન્યો
  • જાનૈયા-માંડવીયા વચ્ચે મારામારી, લાકડી અને પાઈપો ઉછળી
  • બનાવમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા, 2 લોકોની હાલત ગંભીર

Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે યોજાયેલ એક લગ્નપ્રસંગ લોહિયાળ સાબિત થયો છે. દેવીપૂજક સમાજના લગ્નમાં જમણવાર દરમિયાન રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે જાનૈયા અને માંડવીયા પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું ખેલાયું હતું. જેમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જાનૈયા-માંડવીયા વચ્ચે થઈ મારામારી

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન ધારીના ખીસરી ગામે આવી હતી. લગ્નગીતો અને શરણાઈના સૂર વચ્ચે ભોજન સમારંભ ચાલુ હતો. તે દરમિયાન રોટલી પીરસવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષો લાકડીઓ અને પાઈપ લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા.

ટોળા પર કાર ચડાવવાનો પ્રયાસ, 15 લોકો ઈજાગ્રસ્ત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આવેશમાં આવેલા અમુક શખ્સોએ લોકોના ટોળા પર બોલેરો કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ કાફલો ખડકાયો આ જૂથ અથડામણમાં મહિલાઓ સહિત બંને પક્ષના કુલ 15 લોકોને ઈજા પહોંચી છે.

બંને પક્ષની સામસામે ફરિયાદ

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં બે વ્યક્તિઓની તબિયત લથડતા તેમને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.