અમરેલીના વડિયામાં શ્વાનોનો આતંક: ટોળાએ માસૂમ બાળકને ફાડી ખાધો, ઘટનાસ્થળે જ નીપજ્યું મોત

આ હૃદયદ્રાવક ઘટના વડિયા તાલુકાના ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં બની હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 02 Jun 2026 07:58 AM (IST)Updated: Tue, 02 Jun 2026 07:58 AM (IST)
a-pack-of-dogs-tore-apart-an-innocent-child-in-amrelis-vadia-he-died-on-the-spot

Amreli News: અમરેલી જિલ્લાના વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. વડિયા તાલુકામાં કૂતરાઓના એક હિંસક ટોળાએ વધુ એક માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. આજે 4 હિંસક શ્વાનોએ એક 7 વર્ષના નિર્દોષ બાળક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. છેલ્લા 20 થી 25 દિવસની અંદર બાળકો પર શ્વાનોના હુમલાની આ ચોથી ઘટના સામે આવતા સમગ્ર પંથકના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો ભયભીત થઈને કહી રહ્યા છે કે, "અમને સિંહ-દીપડાથી નહીં, પણ આ રખડતા શ્વાનોથી ડર લાગે છે."

ખેતરમાં રમી રહેલા રોમિત પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું

આ હૃદયદ્રાવક ઘટના વડિયા તાલુકાના ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં બની હતી. ખાન ખીજડિયા ગામની સીમમાં આવેલા પ્રફુલભાઈ બોરડના ખેતરમાં મગનભાઈ બારૈયા નામના શ્રમિક પરિવાર સાથે રહીને ખેતમજૂરી કરે છે. આજે તેમનો 7 વર્ષનો પુત્ર રોમિત ખેતરમાં હાજર હતો, ત્યારે અચાનક 4 થી 5 હિંસક શ્વાનોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને રોમિત પર તૂટી પડ્યું હતું.

બાળકના પિતા મગનભાઈએ રૂંવાડા ઉભા કરી દેનારી આપવીતી જણાવતા કહ્યું કે, "હું ખેતરમાં પાણી વાળી રહ્યો હતો. તે સમયે જોરદાર પવન ફૂંકાતો હોવાના કારણે મને બહાર શું થઈ રહ્યું છે તેની કંઈ ખબર ન પડી. પરંતુ થોડી વાર પછી મારી દીકરી ત્યાંથી જીવ બચાવીને ભાગતી-ભાગતી આવી અને ખેતરમાં રાખેલા એક ટીપણ (ડ્રમ) પાછળ સંતાઈ ગઈ. મેં બહાર જઈને જોયું તો કૂતરાઓએ મારા ૭ વર્ષના દીકરા રોમિતને પકડી લીધો હતો અને તેને ફાડીને મારી નાખ્યો હતો." આ કમનસીબ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

છેલ્લા 3 અઠવાડિયામાં 4 બાળકો પર જીવલેણ હુમલા

સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વડિયા પંથકની સીમમાં 4 થી 5 અત્યંત હિંસક શ્વાનોનું એક ટોળું સક્રિય થયું છે, જે માત્ર નાના બાળકોને જ પોતાનો શિકાર બનાવી રહ્યું છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ આ ટોળાએ ચાર અલગ-અલગ બાળકો પર જીવલેણ હુમલા કર્યા છે. અગાઉના હુમલામાં બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આ નરાધમ શ્વાનોએ અત્યાર સુધીમાં બે માસૂમ બાળકોનો જીવ લઈ લીધો છે.

ખેડૂત જયેશભાઈ હીરપરા અને અરજણભાઈએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમારા ગામ અને સીમ વિસ્તારમાં સિંહ અને દીપડા વારંવાર ચઢી આવે છે, પણ તેની અમને ક્યારેય બીક નથી લાગી. આ ચાર-પાંચ માનવભક્ષી કૂતરાઓથી હવે સિંહ કરતા પણ વધુ ડર લાગી રહ્યો છે. શ્વાનોએ બાળકોને સાવ મારી જ નાખ્યા છે, જેના લીધે હવે સીમમાં મજૂરી કામ કરવા જવા જેવું રહ્યું નથી."

વાવણી અને શાળા શરૂ થવાના સમયે જ મજૂરોમાં ફફડાટ

હાલમાં ખેતરોમાં પ્રી-મોન્સૂન વરસાદ બાદ વાવણીનો સમય નજીક આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ શાળાઓ પણ શરૂ થવાની છે. આવા સમયે ખેડૂતો મોટા સંકટમાં મુકાયા છે. ખેડૂત ઘનશ્યામભાઈ ટોળિયાએ ચિંતા વ્યક્ત કરી કે, "શ્વાનોના આ ભયંકર ત્રાસના કારણે હવે કોઈ પરપ્રાંતિય કે સ્થાનિક મજૂર ખેતરોમાં રહેવા કે કામ કરવા તૈયાર નથી. જો ખેતરોમાં મજૂર જ નહીં રહે, તો ખેડૂતો વાવણી કેવી રીતે કરશે અને ખેતીનું કામ કોણ સંભાળશે? મજૂરો પોતાના બાળકોને લઈને અહીંથી પલાયન થઈ રહ્યા છે." ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ વાતાવરણમાં બાળકોને શાળાએ કેવી રીતે મોકલવા?

ગ્રામજનોની તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગ

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વન વિભાગ અને પંચાયતનું તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર વડિયા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે ભારે ફફડાટ અને તણાવનો માહોલ છે. ગ્રામજનોએ સરકાર અને ઉચ્ચ વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે કે, આ હિંસક શ્વાનોના આતંકનો તાત્કાલિક ધોરણે કાયમી ઉપાય કરવામાં આવે. શ્વાનોના ટોળાને વહેલી તકે પાંજરે પૂરીને કોઈ સુરક્ષિત કે અવાવરું સ્થળે ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય ગરીબ મજૂર કે ખેડૂતના નિર્દોષ બાળકનો જીવ ન જાય.