Ahmedabad News: ભારતીય રેલવે આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યું છે, જેમાં સ્વદેશી 'કવચ' સુરક્ષા પ્રણાલી, વંદે ભારત જેવી સેમી-હાઈ સ્પીડ ટ્રેનો, AI-આધારિત પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ અને 160 કિમી/કલાક સુધીની ઝડપ માટેના ટ્રેક અપગ્રેડનો સમાવેશ થાય છે. આ પ્રગતિ સાથે, ભારત ટૂંક સમયમાં પોતાની સ્વદેશી બુલેટ ટ્રેનો પણ રજૂ કરવા જઈ રહ્યું છે. રેલવે મંત્રાલય B28 અને B35 નામની બે નવી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનોની યોજના બનાવી રહ્યું છે, જે ભારતમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં ક્રાંતિ લાવશે.
B28 હશે ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન
B28, ભારતની પોતાની સ્વદેશી બુલેટ ટ્રેન છે, જેના પર બેંગલુરુ સ્થિત BEML ની રેલ કોચ ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2024 માં, ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) એ BEML ને બે હાઈ-સ્પીડ ટ્રેનસેટ્સને ડિઝાઇન કરવા, બનાવવા અને લોન્ચ કરવાનો કરાર આપ્યો હતો. આ ટ્રેન મહત્તમ 280 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે તૈયાર કરવામાં આવી છે, પરંતુ સામાન્ય સંચાલનમાં તે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલવેનો લક્ષ્ય માર્ચ 2027 સુધીમાં પ્રથમ B28 ટ્રેન તૈયાર કરવાનો છે. આ 8-કારવાળી સંપૂર્ણપણે વાતાનુકૂલિત (AC) ટ્રેન હશે, જેમાં આરામદાયક બેઠકો અને આધુનિક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે.
B28 બુલેટ ટ્રેનનો આ હશે સંભવિત રૂટ
B28 બુલેટ ટ્રેનની શરૂઆત સુરતથી વાપી વચ્ચે થઇ શકે છે, જે લગભગ 97 કિલોમીટરનું અંતર છે. આ સેક્શન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ છે. આ રૂટ પર ઓગસ્ટ 2027 સુધીમાં ટ્રેન સેવા શરૂ કરવાનું રેલવેનો લક્ષ્ય છે.
B35 હશે ભવિષ્યની હાઈ-સ્પીડ ટ્રેન
B28 પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, રેલવે મંત્રાલય B35 નામની એક નવી અને વધુ આધુનિક હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન બનાવવાની યોજના ધરાવે છે. B35 ને 350 કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ અને 320 કિમી પ્રતિ કલાકની સંચાલન ગતિ માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે. રેલવે અનુસાર, આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' ના અહેવાલ મુજબ, રેલવે ભારત અને જાપાનથી મળેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને ભારતમાં જ સ્થાનિક સ્તરે વિકસિત કરી રહ્યું છે.
હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું વિસ્તરણ કરાશે
મુંબઈ-અમદાવાદ ઉપરાંત, સરકાર 7 નવા હાઈ-સ્પીડ કોરિડોર વિકસાવવાની યોજના બનાવી રહી છે. આમાં દિલ્હી-વારાણસી, મુંબઈ-પુણે અને બેંગલુરુ-ચેન્નઈ જેવા મહત્વના રૂટનો સમાવેશ થાય છે. B35 જેવી અદ્યતન ટ્રેનો આ ભવિષ્યના કોરિડોર પર ચલાવવામાં આવશે.
