Loading...

Gujarat Weather Forecast: આજે ગુજરાતના આ ભાગોમાં માવઠાની શક્યતા, આવતીકાલથી જોવા મળશે ઠંડીનો ચમકારો, જાણો હવામાનની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, તથા સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 23 Jan 2026 05:00 AM (IST)Updated: Fri 23 Jan 2026 05:00 AM (IST)
gujarat-weather-forecast-today-unseasonal-rains-today-cold-wave-likely-from-tomorrow-678143

Gujarat Weather Today: ગુજરાતમાં આજે વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથેજ 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી બે દિવસ ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, તથા સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આવતીકાલથી જોવા મળશે ઠંડીનો ચમકારો

આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ તે પછીના 2 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ત્યારબાદ ફરી ધીમે ધીમે 2થી 4 ડિગ્રીનો વધારો થશે. આ હવામાન પેટર્નનું કારણ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્લીઝમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમી વિક્ષોભ (Western disturbance) ની હાજરી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

અમદાવાદમાં કેવું રહેશે હવામાન

ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્રથી લઈને અત્યંત ઊંચું રહ્યું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધારે હતું, અને લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે હતું. અમદાવાદ શહેર માટે, આગામી દિવસોમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન લગભગ 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.