Loading...

ધીમા પગલે ઠંડીની વિદાય! આગામી એક સપ્તાહ સુધી વાતાવરણ સૂકું રહેશે, લઘુત્તમ પારો વધવાની શક્યતા નહીં, જાણો હવામાનની આગાહી

રાજ્યમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Feb 2026 06:00 AM (IST)Updated: Fri 06 Feb 2026 06:00 AM (IST)
gujarat-weather-alert-no-major-change-in-minimum-temperature-this-week-686409

Gujarat Weather Forecast: સામાન્ય રીતે મહા શિવરાત્રી સુધી રાજ્યમાં ઠંડીનું વાતાવરણ જોવા મળતું હોય છે પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનાના પ્રારંભથી જ ઠંડી ધીમા પગલે વિદાય લઇ રહી હોય તેવો માહોલ છે. સવારના સમયે અને રાત્રીના સમયે આંશિક ઠંડી અનુભવાય છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં આ જ પ્રકારનું એટલે કે વાતવરણ જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા જણાતી નથી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3.1 થી 5 ડિગ્રી જેટલું વધારે નોંધાયું હતું. જ્યારે બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા 1.6 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારે રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

આગામી સાત દિવસો દરમિયાન ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની સંભાવના છે. તેમજ આગામી સાત દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો માટે 6 ફેબ્રુઆરીની સવાર સુધી આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે.

ઉત્તર ભારમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે

ઉત્તર ભારતમાં બે સળંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 5 અને 6 ફેબ્રુઆરી દરમિયાન જોવા મળશે, જ્યારે બીજો વિક્ષોભ 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોને અસર કરશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં છૂટાછવાયા નીચા અને મધ્યમ સ્તરના વાદળો જોવા મળ્યા છે.

આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં પણ નબળા કન્વેક્શન સાથે વાદળછાયું વાતાવરણ નોંધાયું છે. જોકે, રાજ્યના અન્ય ભાગોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ ૩ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.