LIVE BLOG

Gujarat News Today Live: ગુજરાતના આજના મહત્વના સમાચાર વાંચો એક જ જગ્યાએ

<p>ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...</p>

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 18 Jun 2026 08:33 PM (IST)Updated: Fri, 19 Jun 2026 05:09 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-19-june-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 19 June, 2026 : ગુજરાતમાં બનતી મહત્વની ઘટના અંગે ગુજરાતી જાગરણ તમને અહીં અપડેટ રાખશે. તો જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.

19 Jun 2026, 03:02 PM

વડોદરા: તરસાલીમાં કૂતરો પાળવાના મુદ્દે આંતરિક વિવાદ વકર્યો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાળતુ કૂતરાને લઈને સોસાયટીના રહીશો વચ્ચે થયેલો વિવાદ આખરે હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો છે. કૂતરો પાળવાની બાબતે સોસાયટીના જ કેટલાક રહીશો દ્વારા ભાડે રહેતા એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

19 Jun 2026, 03:01 PM

વડોદરા: મકરપુરા GIDCની કંપનીમાં કરંટ લાગતા એપ્રેન્ટિસ યુવકનું મોત

વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી એરડા કંપનીમાં આજે એક ગોઝારી ઘટના સામે આવી છે. કંપનીમાં કામ કરી રહેલા એક એપ્રેન્ટિસ યુવકનું વીજ કરંટ લાગવાના કારણે અકાળે મોત નીપજતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં કંપની તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

19 Jun 2026, 11:53 AM

ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરાશે

નિયમોના ઉલ્લંઘન બદલ મહીસાગરની ધનવંતરી આયુર્વેદ કોલેજનું જોડાણ રદ થતા, ત્યાં અભ્યાસ કરતા 188 વિદ્યાર્થીઓને અન્ય સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં ટ્રાન્સફર કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૪ થી બંધ પડેલી આ કોલેજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બચાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીથી તેમને 'સુપરન્યુમરી' બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા 'નીટ' મેરિટના ધોરણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાશે, જેમાં વિદ્યાર્થીઓએ મૂળ કોલેજની નિર્ધારિત ફી મુજબ જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે.

19 Jun 2026, 11:53 AM

પાવાગઢમાં ડુંગર પરથી પથ્થરો ગબડતા 2 યાત્રિકોના મોત

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે ડુંગર પર ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં પથ્થરો ગબડતા કેટલાક યાત્રિકો દબાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે યાત્રિકોના મોત નીપજ્યાં છે.

19 Jun 2026, 11:28 AM

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ

ભાવનગરની સર ટી. હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ એન્ટી-રેગિંગ કમિટીએ 6 સિનિયર તબીબોને સસ્પેન્ડ કરવાનો કડક નિર્ણય લીધો છે. 8.5 કલાકની મેરેથોન તપાસ બાદ આ તમામ દોષિત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને તમામ શૈક્ષણિક તથા ક્લિનિકલ કામગીરીથી દૂર રહેવા આદેશ અપાયો છે. નેશનલ મેડિકલ કમિશનના નિયમો હેઠળ કોલેજ પ્રશાસન હવે આ મામલે જવાબદાર ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી રહ્યું છે.

19 Jun 2026, 11:15 AM

24 વર્ષીય યુવતીના અંગદાનથી અન્ય દર્દીઓને મળ્યું નવજીવન

ગાંધીનગરની GMERS હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરાયેલી 24 વર્ષીય કાજલબેન રાઠોડના પરિવારે લીધેલા અંગદાનના નિર્ણય બાદ, ગુરુવારે ગાંધીનગર અને અમદાવાદ પોલીસે સંયુક્ત રીતે ગ્રીન કોરિડોર રચીને સમયસર અંગો પહોંચાડવાની સફળ કામગીરી કરી હતી. ટ્રાફિક મુક્ત માર્ગે એમ્બ્યુલન્સ મારફતે યુવતીની 2 કિડની, લિવર અને સ્વાદુપિંડને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જેથી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શોકગ્રસ્ત પરિવારની સંવેદનશીલતાને બિરદાવતા આ ભગીરથ કાર્યમાં જોડાયેલા પોલીસ અને હોસ્પિટલ સ્ટાફની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.

19 Jun 2026, 07:15 AM

ગોંડલમાં મસાલા ફેક્ટરી પર દરોડા: રૂ.1.11 કરોડનો શંકાસ્પદ જથ્થો સીઝ

રાજકોટના ગોંડલમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સત્યમ મસાલા ફેક્ટરી પર દરોડા પાડીને રૂ.1,11,04,205ની કિંમતનો આશરે 35,527 કિલો શંકાસ્પદ મસાલાનો જથ્થો સીઝ કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ તપાસમાં મરચું, હળદર, ધાણા અને કોર્ન પાઉડરના નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

19 Jun 2026, 07:15 AM

અલ-નીનોના સંભવિત પડકારો સામે ગુજરાત તંત્ર સજ્જ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં અલ-નીનોની સંભવિત અસરો સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરી, પાણી અને કૃષિ ક્ષેત્રે સઘન માઈક્રો-પ્લાનિંગ કરવાના આદેશ આપ્યા છે. સરકારે નર્મદા પાઈપલાઈન દ્વારા તળાવો ભરવાની મર્યાદા 3 કિમીથી વધારીને 7 કિમી કરી છે, જેનાથી ઉત્તર ગુજરાતના ૩૦૦ તળાવો અને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીનો સંગ્રહ કરી પીવાના પાણીની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત, પશુધન માટે ૨ વર્ષનો ઘાસચારાનો સ્ટોક અનામત રાખવામાં આવ્યો છે, જ્યારે ૫૦ લાખ ખેડૂતોને AI આધારિત પોર્ટલ અને 'આકસ્મિક પાક આયોજન' દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

19 Jun 2026, 07:14 AM

ગુજરાતમાં 1,567 કરોડના 15 ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન સહાયની મંજૂરી

ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ 1,567.18 કરોડના કુલ રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમો માટે પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યમાં અંદાજે 1,238 નવી રોજગારીની તકો ઉભી થશે. આ મંજૂરીઓમાં મુખ્યત્વે ભરૂચમાં કેમિકલ્સ ક્ષેત્રના 999.82 કરોડના પ્રોજેક્ટ સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઇલ તથા ગાંધીનગરમાં ટેક્સટાઇલ એકમોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ યોજના હેઠળ રાજ્યમાં કુલ 1,48,336.35 કરોડનું રોકાણ આકર્ષવામાં સફળતા મળી છે.