Loading...

Gujarat HC: અમદાવાદમાં આસારમ આશ્રમ પર ફરશે બૂલડોઝર, 45 હજાર ચો.મી. જમીન પરત લેવા સરકારને હાઇકોર્ટની મંજૂરી

રાજ્ય સત્તાવાળાઓએ કોર્ટ સમક્ષ હકીકતો રજૂ કરતાં જણાવ્યું હતું કે દાયકાઓ પહેલાં મર્યાદિત ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓનું ઉલ્લંઘન કરતી ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 05 Feb 2026 02:57 PM (IST)Updated: Thu 05 Feb 2026 02:58 PM (IST)
gujarat-hc-approves-demolition-of-30-illegal-structures-at-motera-ashram-686235

Gujarat HC on Motera Ashram Land: અમદાવાદના મોટેરા વિસ્તારમાં દાયકાઓથી વિવાદમાં રહેલા આસારામ આશ્રમને લઈને ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આશ્રમ દ્વારા દબાણ કરાયેલી 45,000 ચોરસ મીટરથી વધુની સરકારી જમીન પાછી લેવાના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. આ જમીનનો ઉપયોગ હવે આગામી ‘કોમનવેલ્થ ગેમ્સ 2030’ અને ઓલિમ્પિકના આયોજન માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કરવામાં આવશે.

ધાર્મિક હેતુ માટે અપાયેલી જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયુ

રાજ્ય સત્તાવાળાઓએ કોર્ટ સમક્ષ મજબૂત હકીકતો રજૂ કરતાં જણાવ્યું હતું કે દાયકાઓ પહેલાં મર્યાદિત ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓનું ઉલ્લંઘન કરતી ગઈ હતી. જમીન ફાળવણી સમયે સ્પષ્ટ શરતો હતી કે તેના પર કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ કે અનધિકૃત બાંધકામ કરી શકાશે નહીં અને તમામ જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવું પડશે. તેમ છતાં, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ કરીને ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો છે. આશ્રમ દ્વારા અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે વારંવાર અરજીઓ કરવામાં આવી હતી.

આશ્રમને જરૂર કરતા વધુ નોટિસ આપવામાં આવી હતી

રાજ્ય સરકારના વકીલ જી.એચ.વિર્ક દ્વારા દલીલ કરાઇ હતી કે આ કોઇ એકાએક કે અચાનક લેવામાં આવેલું કોઇ પગલું કે વહિવટી અતિશયતા નથી પરંતુ ધીરજયુક્ત અને ન્યાયસંગત નિર્ણય પ્રક્રિયાનું પરિણામ છે. આશ્રમને જરૂર કરતા વધુ નોટિસ આપવામાં આવી હતી. એક પછી એક સુનાવણીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, જાહેર જમીન પર અતિક્રમણ કરીને તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વિકૃત નથી.

બાંધકામોને નિયમિત કરવાની અરજીઓ નામંજૂર કરી હતી

જાહેર જમીનમાં કરવામાં આવેલા દુરુપયોગ સામે સત્તાધિશોએ પગલા લીધા છે. અમદાવાદ મનપાએ મોટેરા સ્થિત આશ્રમના 30થી વધુ ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની અરજીઓ નામંજૂર કરી હતી અને સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર નહીં કરાય તે અંગે સ્પષ્ટ કર્યું હતું. હાઇકોર્ટના આ ચૂકદા બાદ લાંબા સમયથી કાયદાકિય ગૂંચવણમાં ફસાયેલી આ જમીન સરકાર હસ્તક પરત આવવાની દિશામાં છે.

કોર્ટના એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મુકવામાં આવ્યો હતો

આ જમીન પર બનાવવામાં આવેલા આસારામ આશ્રમમાં 32 જેટલા બાંધકામ ગેરકાયદે છે. જેને દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ગત 21 જાન્યુઆરી 2026ના રોજ મનપા દ્વારા આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરાઇ હતી અને એપેલેટ ઓથોરિટીમાં કેસના નિકાલ અંગે સૂચના અપાઇ હતી. કોર્ટના એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મુકવામાં આવ્યો અને લીગલ કમિટીમાં મનપા તરફથી વકીલની નિમણૂક કરીને ત્વરિત નિકાલ લાવવા સૂચના અપાઇ હતી.