ગુજરાત શિક્ષણ વિભાગની કામગીરી પર કોંગ્રેસે કર્યા સવાલ, કહ્યું- 'લાખો વિદ્યાર્થીઓ હજુ પણ પાઠ્યપુસ્તક વિહોણા'

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકાર સમક્ષ એક માંગ પણ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 17 Jun 2026 03:05 PM (IST)Updated: Wed, 17 Jun 2026 03:05 PM (IST)
congress-slams-education-department-over-gujarat-textbook-distribution-delay

Congress on Textbook Distribution Delay: ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે એક અત્યંત ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નવી શિક્ષણ નીતિ અને નવા અભ્યાસક્રમના અમલીકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે શાળાઓ શરૂ થયાને દસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક વિદ્યાર્થીઓના હાથમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. 

આ ગંભીર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકારની કામગીરી પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. આવો જોઈએ શિક્ષણ વિભાગની કામગીરી પર કોંગ્રેસ પ્રવક્તાએ શું આક્ષેપ કર્યા અને શું હકીકતો જણાવી? 

શાળાઓ શરૂ થઈ પણ પાઠ્યપુસ્તકો ક્યાં?

રાજ્યમાં 6 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને સામાન્ય રીતે શાળા શરૂ થતાં પહેલાં જ પાઠ્યપુસ્તકો આપી દેવાતા હોય છે, જેથી અભ્યાસ નિયમિત શરૂ થઈ શકે. પરંતુ, 16 જૂન સુધીના આંકડા દર્શાવે છે કે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ, જેમાં ખાસ કરીને ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ, સરકાર તરફથી વિનામૂલ્યે મળતા પાઠ્યપુસ્તકો વિના જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

પુસ્તક વિતરણમાં ગંભીર વિલંબ, જુઓ આંકડા

વિતરણના આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાં પુસ્તકો પહોંચાડવા માટેના કુલ 208 રૂટમાંથી અત્યાર સુધી માત્ર 15 રૂટ પર જ પુસ્તકો મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના 193 રૂટ પર હજુ પુસ્તકો પહોંચ્યા જ નથી. આ ખામીયુક્ત આયોજનને કારણે રાજ્યભરના 400 થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

ગરીબ-પછાત વર્ગના વિદ્યાર્થીને મોટું નુકસાન

પાઠ્યપુસ્તકોના આ વિલંબનો સૌથી વધુ ભોગ સરકારી શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), આદિવાસી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ બની રહ્યા છે. આ વર્ગના વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સરકાર દ્વારા અપાતા મફત પુસ્તકો પર જ નિર્ભર હોય છે. પુસ્તકોના અભાવને કારણે શિક્ષકોને પણ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

પુસ્તકો ઉપલબ્ધ, તો વિતરણમાં વિલંબ કેમ?

જાણકાર સૂત્રોના મતે, બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ પુસ્તકો સમયસર છપાઈને પહોંચી ગયા છે. પરંતુ જે પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવાનું છે, તેનું છાપકામ હજુ સુધી પૂર્ણ થયું નથી. આ પરિસ્થિતિ સમગ્ર આયોજન અને છાપકામની પ્રક્રિયા પર અનેક પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કરે છે.

સરકાર સમક્ષ કોંગ્રેસની સીધી માંગ

એક તરફ રાજ્ય સરકાર સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (State Curriculum Framework) રજૂ કરીને શિક્ષણમાં પરિવર્તનની વાતો કરે છે, તો બીજી તરફ પાયાની જરૂરિયાત એવા પુસ્તકોની ગેરહાજરીથી વાસ્તવિક શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે. હાલમાં એવી માંગ ઉઠી છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી બાકી રહેલા તમામ પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ કરે, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં.