અમદાવાદ: મોડી રાત્રે ઉસ્માનપુરાની શુભમ હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 4 દર્દીઓનું દિલધડક રેસ્ક્યુ

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી શુભમ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 07:41 AM (IST)Updated: Sun, 21 Jun 2026 07:41 AM (IST)
ahmedabad-shubham-hospital-fire-ac-blast-usmanpura-rescue

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ફરી એકવાર હોસ્પિટલમાં આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી શુભમ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલના એક રૂમમાં રાખવામાં આવેલા એર કન્ડિશનર (AC)માં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.

રૂમ નંબર 3 માં શોર્ટ સર્કિટ અને અફરાતફરી

ઘટનાની વિગતો મુજબ, મોડી રાત્રે જ્યારે હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફ નિદ્રાધીન હતા, ત્યારે હોસ્પિટલના રૂમ નંબર ૩ માં આવેલા એસીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આખા રૂમમાં વહી ગયા હતા. આ જ રૂમમાં દર્દીઓ દાખલ હતા, જેથી એક સમયે હોસ્પિટલ પરિસરમાં ભારે દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને દિલધડક રેસ્ક્યુ

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે મિનિટોમાં પહોંચી ગયા હતા. રૂમ નંબર 3 માં ફસાયેલા 4 દર્દીઓને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ વચ્ચેથી સહી-સલામત બહાર કાઢી લીધા હતા. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે.