Ahmedabad-Sharjah direct flight: સંયુક્ત આરબ અમીરાત (UAE) જતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદ અને શારજાહ વચ્ચે હવે સ્પાઈસ જેટની નવી સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીથી હવે ગુજરાત અને UAE વચ્ચે મુસાફરી કરવી વધુ ઝડપી અને સરળ બનશે.
અમદાવાદ-શારજાહ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી (SVPIA) સંયુક્ત આરબ અમીરાતના (UAE) શારજાહ એરપોર્ટ માટે સ્પાઈસ જેટની નવી સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે. હવેથી પ્રત્યેક અઠવાડિયામાં પાંચ દિવસ આ ડાયરેક્ટ ફ્લાઇટનો લાભ મુસાફરો લઈ શકશે.

સપ્તાહમાં પાંચ દિવસ મળશે લાભ
અમદાવાદ-શારજાહ ફ્લાઇટ દર સોમવાર, મંગળવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સપ્તાહમાં 5 દિવસ સંચાલિત થશે. ફ્લાઈટ SG 095 અમદાવાદથી સવારે 8:50 કલાકે ઉપડશે અને 11:00 કલાકે શારજાહ પહોંચશે. પરત ફરતી ફ્લાઈટ SG 096 બપોરે 12:00 કલાકે શારજાહથી રવાના થઈ સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.
આ પણ વાંચો: ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં પ્રતિ કિલો ₹30,300નો ઘટાડો; જાણો તમારા શહેરના રેટ
ડાયરેક્ટ ફ્લાઈટનું ભાડું કેટલું?
અમદાવાદ-શારજાહ ફ્લાઇટની ટિકિટનું શરૂઆતનું એકતરફી ભાડું લગભગ રૂ. 9,000થી 15 હજાર વચ્ચે રાખવામાં આવ્યું છે. જે માંગ, સીઝન અને બુકિંગ સમય પ્રમાણે બદલાઈ શકે છે. આ સીધી ફ્લાઈટથી સમયમાં બચત થશે, તેમજ UAE માં રહેલા ગુજરાતીઓ, વેપારીઓ, પર્યટકો માટે અવરજવર સરળ બનશે. સાથે જ વેપાર, પર્યટન અને પરિવારિક મુલાકાત માટે આ રૂટ મહત્વપૂર્ણ સાબિત થશે.
ફ્લાઈટના પ્રથમ મુસાફરોનું ખાસ સ્વાગત
સ્પાઈસ જેટની નવી અમદાવાદ-શારજાહ ફ્લાઇટની શરૂઆત પહેલા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દીપ પ્રાગટ્ય અને કેક કટિંગ સમારોહ યોજાયો હતો. સાથે જ ફ્લાઈટના પ્રથમ મુસાફરને બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઇમિગ્રેશન, CISF જવાનો, સ્પાઈસજેટ અને અમદાવાદ એરપોર્ટ ટીમના અધિકારીઓ હાજર રહ્યા હતા.
