Ahmedabad Hoco Kitchen: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા જાણીતા '1944 ધ હોક્કો કિચન' માં ગ્રાહકને પીરસવામાં આવેલા જમવામાંથી વંદો નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે જમવા ગયેલા ગ્રાહકના એક વર્ષના બાળકે આ દૂષિત ખોરાકનો અમુક હિસ્સો ખાઈ પણ લીધો હતો, જેના કારણે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
દાળ ખીચડીમાંથી નીકળ્યો વંદો
પ્રાપ્ત વિગતો અનુસાર, વરુણ દોશી નામના ગ્રાહકે રેસ્ટોરન્ટમાં 479 રૂપિયાની દાળ ખીચડીનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેઓ પોતાના પુત્રને આ ખીચડી ખવડાવી રહ્યા હતા, ત્યારે તેમાંથી વંદો નીકળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વરુણ દોશીએ તાત્કાલિક રેસ્ટોરન્ટના સ્ટાફનું ધ્યાન આ તરફ દોર્યું હતું.
ઓનલાઈન વીડિયો થયો વાયરલ
વધુમાં, આ ગ્રાહકે સ્વચ્છતાના આ ગંભીર ભંગ અંગે પુરાવા તરીકે ફોટા અને વીડિયો પણ લીધા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. આ અંગે ઓનલાઈન ફરિયાદ મળ્યા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
AMC ફૂડ વિભાગની કાર્યવાહી-દંડ
ફૂડ વિભાગના વડા ડૉ. તેજસ શાહે પુષ્ટિ કરી હતી કે, તેમના અધિકારીઓએ રેસ્ટોરન્ટની મુલાકાત લઈને તપાસ કરી હતી અને સંચાલકોને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અંગે રેસ્ટોરન્ટના આસિસ્ટન્ટ મેનેજર કેશવભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે, મનપાની ટીમ આવી ગઈ છે અને તેઓ તપાસ કરી રહ્યા છે કે આ ભૂલ ક્યાંથી થઈ.
રેસ્ટોરન્ટનું લાઇસન્સ રદ કરવા માંગ
આ રેસ્ટોરન્ટને દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં, ભોગ બનનાર પરિવાર અને અન્ય લોકો વધુ કડક પગલાંની માંગ કરી રહ્યા છે. વરુણ દોશીએ જાહેર આરોગ્ય માટેના આ ગંભીર જોખમને ટાંકીને રેસ્ટોરન્ટનું લાઇસન્સ રદ કરવાની માંગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે આટલી જાણીતી બ્રાન્ડ સ્વચ્છતાના આવા નબળા ધોરણો કેવી રીતે જાળવી શકે છે.
