Ahmedabad fire incident: અમદાવાદના નરોડા વિસ્તારમાં મોડીરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. નરોડાના મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઉઠ્યું અને આસપાસના રહેવાસીઓમાં પણ ભય ફેલાયો હતો.
અગરબત્તીના કારખાનામાં લાગી આગ
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ગત રાત્રે 11:30 વાગ્યાની આસપાસ નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને કોલ મળતા જ ફાયર બ્રિગેડની નવ જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે આગ વિકરાળ બની ગઈ હતી.

વિકરાળ આગના ભયાનક દ્રશ્યો
અગરબત્તીનું કારખાનું હોવાના કારણે ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. આગ દૂરથી જોઈ શકાય એટલી વિકરાળ હોવાને લઈ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકીને પણ બનાવ અંગે જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
ફાયર વિભાગે માંડ આગને કાબૂમાં લીધી, કોઈ જાનહાની નહીં
કારખાનામાં અગરબત્તીનો જથ્થો વધારે હતો અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવી પડી હતી. અંદાજિત બેથી ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી. આજે 6 ફેબ્રુઆરીની વહેલી સવાર સુધી કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

કારખાનાની આસપાસ 30થી 40 સોસાયટી
કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, આગ લાગવાની જાણ થતાં હું તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ પણ સ્થળ પર હાજર હતી. કારખાનાની આસપાસ 30થી 40 સોસાયટી આવેલી છે. ફેક્ટરી અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
કારખાનાના માલિકનો અતો પતો જ નથી
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સાંજે અગરબત્તીની ફેક્ટરી બંધ થઈ જાય છે, જેથી કોઈપણ કારીગર ફેક્ટરીમાં હાજર નહોતું. રાત્રે આગ લાગતા સ્થાનિક લોકોને ફેક્ટરી માલિકને ફોનથી જાણ કરી હતી. જોકે, અગરબત્તીના કારખાનાના માલિક કોણ છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. કેવી રીતે આગ લાગી તે અંગે પણ જાણકારી મળી નથી.
