Ahmedabad: ધંધુકામાં કૌટુંબિક ઝઘડાથી ત્રાસીને પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું: હાલત ગંભીર

અમદાવાદના ધંધુકામાં પારિવારિક કલહથી પરેશાન એક 30 વર્ષીય પરિણીતાએ આત્મદાહનો પ્રયાસ કર્યો. ગંભીર રીતે દાઝેલી મહિલાને ભાવનગર રિફર કરાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 03:12 PM (IST)Updated: Fri, 19 Jun 2026 03:12 PM (IST)
ahmedabad-dhandhuka-woman-attempts-suicide-due-to-family-dispute

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગુંજાર ગામેથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દરરોજના પારિવારિક ઝઘડા અને કંકાસથી માનસિક રીતે પરેશાન થઈને એક 30 વર્ષીય પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આજ રોજ વહેલી સવારે બનેલી ઘટનાથી સમગ્ર ગ્રામ્ય પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પરિણીતાએ વહેલી સવારે આપઘાતનો પ્રયાસ કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, ધંધુકાના ગુંજાર ગામે 30 વર્ષીય શિલ્પાબેન ગણપતભાઈ કણઝરિયા ઘરમાં ચાલતા લાંબા પારિવારિક ઝઘડાઓથી ત્રાસેલા હતા. આ રોજ-રોજના ઝઘડાનો કાયમી માટે અંત લાવવા માટે તેણે આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાના સુમારે આત્મઘાતી પગલું ભર્યું હતું. મહિલાએ પોતાના ઘરમાં જ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવીને અગ્નિસ્નાન કરી લીધું હતું.

મહિલાને ભાવનગરની સર ટી. હોસ્પિટલ રિફર કરાઈ

પરણિતાની કરુણ ચીસ સાંભળીને ઘરના સભ્યો અને આજુબાજુના લોકો મદદે દોડી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ આગને ઓલવી નાખી હતી. જોકે, ત્યાં સુધીમાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી.

તેને તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તબીબોની સલાહ પર વધુ સઘન સારવાર માટે મહિલાને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે.

પોલીસ તપાસ શરૂ

આ ઘટના અંગેની જાણ થતાં જ ધંધુકા પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મામલાની ગંભીરતાને જોઈને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘરકંકાસ પાછળનું મુખ્ય કારણ શું હતું અને પરણિતાને આત્મઘાતી પગલું ભરવા માટે મજબૂર કરનાર કોણ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.