Loading...

Ahmedabad: ધામતવાણમાં 1.55 કરોડનું કૌભાંડ! પૂર્વ મહિલા સરપંચ અને તલાટી વિરુદ્ધ ACB માં ગુનો દાખલ

અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ આરોપી સરપંચને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 26 Mar 2026 11:32 AM (IST)Updated: Thu 26 Mar 2026 11:32 AM (IST)
ahmedabad-dhamtavan-gram-panchayat-sarpanch-talati-corruption-acb-case-715640
HIGHLIGHTS
  • ધામતવાણ ગ્રામ પંચાયતમાં 1.55 કરોડનું કૌભાંડ
  • પૂર્વ સરપંચ અને તલાટી સામે ACB દ્વારા ફરિયાદ 
  • પંચાયતના ખર્ચાનો કોઈ જ રેકોર્ડ બનાવ્યો ન હતો

Dhamtavan Government funds corruption: અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામમાં સરકારી નાણાંની ઉચાપતનો એક મોટો મામલો સામે આવ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધામતવાણની પૂર્વ મહિલા સરપંચ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી રૂપિયા 1.55 કરોડના સરકારી ભંડોળનું કૌભાંડ આચરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

સરપંચ અને તલાટીએ કર્યો મોટો કાંડ

ધામતવાણ ગામમાં ભાજપના કાર્યકર સંજય કુમાર પારેખના પત્ની રેખાબેન પારેખ સરપંચ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2022-23 થી 2024-25 ના નાણાકીય વર્ષ દરમિયાન સરપંચ રેખાબેન અને પૂર્વ તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલાએ પંચાયતના સ્વભંડોળની આવકમાં મોટી ગેરરીતિ આચરી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંનેએ પોતાના હોદ્દાની સત્તાનો દુરુપયોગ કરી સરકારી પૈસા રૂ. 1,55,23,420 ની ગેરરીતિ કરી હતી, અને આ રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી વિવિધ કામોમાં નાણાકીય અનિયમિતતા કરવામાં આવી હતી,

આરોપીઓએ કેવી રીતે આચર્યો ભ્રષ્ટાચાર? 

આરોપીઓએ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી માટી પુરાણ, પાણી પુરવઠા/વાટા, ઉત્સવ ઉજવણી અને પગાર હેડે મસમોટા ખર્ચા દર્શાવ્યા હતા. આ કામો માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ન હતો કે કોઈ તાંત્રિક મંજૂરી લેવામાં આવી ન હતી.

વધુમાં, પંચાયત દ્વારા આ ખર્ચાનો કોઈ જ રેકર્ડ નિભાવવામાં આવ્યો ન હતો. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં ખુલ્યું હતું કે, પંચાયતના કર્મચારીઓને માસિક પગાર સીધા તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવાને બદલે, તમામનો પગાર ગામના વી.સી.ઇ. (VCE) ના નામે બેરર ચેકથી કાઢવામાં આવતો હતો.

ACB દ્વારા કાર્યવાહી અને સરપંચની હકાલપટ્ટી

જિલ્લા અધિકારી દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ બાદ, ગુજરાત ACBના અમદાવાદ ગ્રામ્યના PI એન.એન. જાદવ દ્વારા પૂર્વ સરપંચ રેખાબેન પારેખ અને પૂર્વ તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા વિરુદ્ધ સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો અને તપાસ ટીમની રચના બાદ મહિલા સરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

સાંસદ અને ધારાસભ્ય વચ્ચેનું 'લેટર વોર' 

આ ભ્રષ્ટાચારનો મામલો છેક ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો હતો. આઠ મહિના પહેલા ધામતવાણના ગ્રામજનોએ મહિલા સરપંચની કામગીરી અને તેમના પતિ દ્વારા આચરવામાં આવતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ આ અંગે વટવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા તેમણે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલને પત્ર લખ્યો હતો. 

ત્યારબાદ સાંસદ હસમુખ પટેલે કાર્યવાહી કરવા માટે ધારાસભ્યને પત્ર લખ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જોકે, ધારાસભ્ય બાબુસિંહ જાદવે વળતો પત્ર લખી ખુલાસો કર્યો હતો કે તેમને આવો કોઈ પત્ર મળ્યો નથી, જેના કારણે બંને નેતાઓ વચ્ચે 'લેટર વોર' જોવા મળ્યું હતું.

ગ્રામજનોના ગંભીર આક્ષેપો અને રજૂઆત

ગ્રામજનોએ સાંસદને લખેલા પત્રમાં અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ધામતવાણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી છેલ્લા 15 વર્ષથી એક જ પરિવારના સભ્ય સરપંચ પદે રહીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલકતો ઊભી કરી રહ્યા છે. જો કોઈ ગ્રામજન અવાજ ઉઠાવે તો તેમને ધાકધમકીઓ આપવામાં આવી હતી. આખરે, ગ્રામજનોની લડત રંગ લાવી અને હવે ACB એ કાયદાકીય સકંજો કસ્યો છે.