Ahmedabad: AMCમાં રાજીનામાનો દોર; જુનિયર ક્લાર્ક સહિત વર્ગ-3ના 20 કર્મચારીઓએ છોડી નોકરી

અમદાવાદ મનપાના 20થી વધુ વર્ગ-3ના કર્મચારીઓએ રાજ્ય સરકારની નોકરી મળતા સામૂહિક રાજીનામા આપ્યા. વધુ સારા પગાર અને પ્રમોશનની તકોને કારણે આ નિર્ણય લેવાયો, જેનાથી AMCની વહીવટી કામગીરી પર અસર થઈ શકે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 12:33 PM (IST)Updated: Fri, 19 Jun 2026 12:33 PM (IST)
ahmedabad-amc-class-3-employees-resign-mass-resignation

Ahmedabad News: સામાન્ય રીતે સરકારી કે અર્ધ-સરકારી નોકરી મેળવવા માટે યુવાનો દિવસ-રાત એક કરતા હોય છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મનપામાં મહેસૂલ અને વહીવટી વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 3ના 20 થી વધારે કર્મચારીઓએ એકસાથે રાજીનામું ધરી દેતાં વહીવટી તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે.

AMC કમિશનર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી કોર્પોરેશનની વિવિધ શાખાઓમાં સેવા આપતા આ કર્મચારીઓએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સામુહિક રાજીનામા પાછળનું કારણ શું?

આ સામૂહિક રાજીનામા પાછળ કોઈ આંતરિક વિવાદ, તંત્રનો ત્રાસ કે નારાજગી નથી, પરંતુ કર્મચારીઓનો વ્યક્તિગત અને કારકિર્દીનો વિકાસ જવાબદાર છે.

  • સરકારી ભરતીમાં સિલેક્શન: છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) અને અન્ય સરકારી બોર્ડ દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામો જાહેર થયા છે.
  • મેરિટ લિસ્ટમાં સ્થાન: AMCમાં જુનિયર ક્લાર્ક અને સહાયક ટેકનિકલ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા આ 20 કર્મચારીઓ રાજ્ય સરકારની ભરતીના મેરિટ લિસ્ટમાં પાસ થયા છે.

મહાનગરપાલિકાની સરખામણીએ રાજ્ય સરકારના સચિવાલય કે અન્ય વિભાગોમાં વધુ સારો પગાર સ્કેલ, પ્રમોશનની ઝડપી તકો અને વધુ સારી જોબ સિક્યોરિટી મળતી હોવાથી કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે.

બે સિનિયર અધિકારીઓના VRS પણ મંજૂર

આ 20 કર્મચારીઓ ઉપરાંત, કોર્પોરેશનમાં ફરજ બજાવતા અન્ય બે સિનિયર અધિકારીઓએ પણ વયમર્યાદા અથવા અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) ની માંગણી કરી હતી, જેને તંત્ર દ્વારા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી છે.

વહીવટી કામગીરી પર અસરની સંભાવના

એકસાથે 22 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ ઓછા થતાં AMCની રોજિંદી વહીવટી કામગીરી પર આંશિક અસર પડી શકે છે. ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી, ક્લાર્ક અને સુપરવાઈઝરની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે.

એકસાથે આટલી જગ્યાઓ ખાલી પડતાં, હવે AMC વહીવટી સુવિધા જાળવી રાખવા માટે અગાઉની ભરતીના વેટિંગ લિસ્ટ (પ્રતીક્ષા યાદી) માંથી ઉમેદવારોને બોલાવશે કે પછી નવી સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરશે તેના પર સૌકોઇની મીટ મંડાઈ છે.