Riddhi Rajpara Jayesh Vaghela Love Marriage Controversy: ગુજરાતમાં લોકગાયિકાઓના પ્રેમલગ્ન અને તેને પગલે સર્જાતા સામાજિક વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કિંજલ દવે, આરતી સાંગાણી અને કિંજલ રબારી બાદ હવે વધુ એક જાણીતા લોકગાયિકાના આંતરજ્ઞાતીય લગ્નને કારણે સામાજિક વાતાવરણ ગરમાયું છે. સુરતના પાટીદાર સમાજના લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મોચી સમાજમાંથી આવતા મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમલગ્ન કરી લેતા મોટો વિવાદ ઊભો થયો છે. આ લગ્ન સામે પાટીદાર સમાજના આગેવાન હિરેન ભેસાણીયા (રુદ્રા) એ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આક્રોશ ઠાલવીને આ ગાયિકા અને તેમના પતિના સામાજિક બહિષ્કારની અપીલ કરી છે.
ફેસબુક પોસ્ટ દ્વારા વિરોધ અને કાર્યક્રમો ન આપવાની અપીલ
પાટીદાર આગેવાન હિરેન રુદ્રાએ ફેસબુક પર એક વિગતવાર પોસ્ટ શેર કરીને આ લગ્ન અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા લખ્યું છે કે, આ કપલ ગત 20 મે 2026ના રોજ ઘરેથી ભાગી ગયું હતું અને પ્રેમલગ્ન કરી લીધા હતા. હિરેન રુદ્રાએ સમગ્ર પાટીદાર સમાજને સંગઠિત થવા આહવાન કર્યું છે કે, હવે પછી પાટીદાર સમાજના એક પણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં આ લોકગાયિકા રિદ્ધિ રાજપરા અને રિધમ પ્લેયર જયેશ વાઘેલાને સ્ટેજ પર સ્થાન આપવામાં ન આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ બંને કલાકારોને પાટીદાર સમાજના કોઈ પણ મંચ પર ચડવા દેવામાં આવશે નહીં.

હિરેન રુદ્રાએ જણાવ્યું હતું કે, "જ્યારે આ લોકો 20 મેના રોજ ભાગી ગયા, ત્યારે મેં તાત્કાલિક રિદ્ધિના પિતાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ બંને મારી ઓફિસે મને મળવા આવ્યા હતા. મેં દીકરીને ઘણી સમજાવી હતી કે તું તારા પરિવાર પાસે માન-સન્માન સાથે પાછી વળી જા, તારો પરિવાર તને અપનાવવા તૈયાર છે. કારકિર્દી બચાવવા માટે મેં યુવકને પણ દીકરીને મુક્ત કરવા કહ્યું હતું. જે દીકરીએ પોતાના માતા-પિતાને ક્યારેય નીચું જોવું નહીં પડે તેવો વિશ્વાસ આપ્યો હતો, તેણે આ પગલું ભર્યું છે. તેના માતા-પિતા એટલા આઘાતમાં છે કે તેમના મોઢામાંથી શબ્દો પણ નથી નીકળી રહ્યા."
ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નોના ટ્રેન્ડ સામે સવાલો
સમાજમાં વારંવાર કલાકારોના આવા લગ્નો કેમ વિવાદ પકડે છે તે અંગે વાત કરતા તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે, અન્ય સમાજના કેટલાક તત્વો પાટીદાર સમાજની ઉભરતી સિંગર છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે અને આ એક ટ્રેન્ડ બની ગયો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કાયદો હાથમાં લેવાના નથી કે તેમના અંગત જીવનમાં કોઈ દખલગીરી કરવાના નથી, પરંતુ સમાજ પોતાની શક્તિ બતાવવા માટે સક્ષમ છે. અગાઉ પણ આવા કિસ્સાઓમાં પાટીદાર સમાજે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. હાલમાં આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ અને વાદ-વિવાદનું પૂર આવ્યું છે.
