Kapil Sharma Weight Loss: પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા આજે 2 એપ્રિલના રોજ પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કપિલની ફિટનેસમાં જે મોટું પરિવર્તન આવ્યું છે, જેણે તેના ફેન્સને ચોંકાવી દીધા છે.
આ અંગે કપિલના ફિટનેસ કોચ યોગેશ ભટેજાએ ખુલાસો કર્યો છે કે, કેવી રીતે કપિલે કોઈ પણ ભારે જીમ વર્કઆઉટ કે ક્રેશ ડાયટ વગર માત્ર 63 દિવસમાં અંદાજે 11 કિલો વજન ઘટાડ્યું છે. કપિલની આ ફિટનેસ જર્ની પાછળ '21-21-21' નો ખાસ નિયમ રહેલો છે.
યોગેશ ભટેજાના જણાવ્યા અનુસાર, ફિટનેસની શરૂઆત ત્યારે જ થાય છે, જ્યારે લોકો પોતાના ખાનપાન અને જીવનશૈલી પ્રત્યે જાગૃત બને છે. કપિલે આ પરિવર્તન માટે નીચે મુજબના ત્રણ તબક્કા અનુસર્યા હતા:
પ્રથમ 21 દિવસ: શરીરની મૂવમેન્ટ
ફિટ રહેવાના આ શરૂઆતના તબક્કામાં કપિલે માત્ર બોડી મૂવમેન્ટ અને સ્ટ્રેચિંગ પર ધ્યાન આપ્યું હતું. કોઈ પણ ભારે કસરત કરવાને બદલે સ્નાયુઓને ધીમે-ધીમે સક્રિય કરવા માટે સામાન્ય પીટી (PT) એક્સરસાઇઝ કરવામાં આવી હતી. આ પ્રથમ 21 દિવસ દરમિયાન આહાર પર કોઈ વધારાના નિયંત્રણની જરૂર પડી નહોતી.
બીજા 21 દિવસ: ડાયટમાં ફેરફાર
21 દિવસ સુધી હળવી કસરત કર્યા પછી, બીજા તબક્કામાં ખાવાની આદતોમાં ધીમે-ધીમે ફેરફાર કરવામાં આવ્યા. જેના માટે ખૂબ જ કડક ડાયટિંગ કરવાની જરૂર નથી. કાર્બ્સ અને કેલરીને એકદમ ઘટાડવાને બદલે માત્ર આહારની પસંદગીમાં થોડો જાગૃત ફેરફાર કરવામાં આવ્યો હતો.
અંતિમ 21 દિવસ: ખરાબ આદતો પર નિયંત્રણ
છેલ્લા અને ફાઈનલ 21 દિવસ દરમિયાન એવી આદતો પર કાબૂ મેળવવાનો હતો, જેના પર વ્યક્તિ નિર્ભર હોય, જેમ કે સ્મોકિંગ, આલ્કોહોલ અથવા કેફીન (ચા-કોફી) નું સેવન. કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વગર આ આદતોમાં ધીમે-ધીમે સુધારો કરવામાં આવ્યો હતો. આ નિયમને અનુસર્યાના 42 દિવસ પછી જ શરીરમાં દેખીતો ફેરફાર નજરે પડે છે, જે વ્યક્તિને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
ફિટનેસ કોચ યોગેશ ભટેજા, જેઓ ફરાહ ખાન અને સોનુ સૂદ જેવા સેલિબ્રિટીઝને પણ ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે, ભારતીય ઘરોમાં લોકો અવારનવાર નાસ્તામાં બ્રેડ, બટર, સમોસા કે પરાઠા જેવી વસ્તુઓ ખાતા હોય છે. ફિટનેસ મેળવવા માટે પોતાના ફૂડ, વોટર ઇનટેક અને શ્વાસ લેવાની રીત (Breathing Pattern)માં ફેરફાર કરવો અનિવાર્ય છે.
