Dhurandhar 2 Teaser Released: વર્ષ 2025 ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ની ઐતિહાસિક સફળતા બાદ હવે તેના બીજા ભાગ 'ધુરંધર: ધ રીવેન્જ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયો દ્વારા જાહેર કરવામાં આવેલા આ ટીઝર અને ફર્સ્ટ લુક પોસ્ટરે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ વખતે રણવીર સિંહ અગાઉ કરતા વધુ આક્રમક, ખતરનાક અને વિસ્ફોટક અંદાજમાં જોવા મળી રહ્યો છે.
શું છે 'ધુરંધર 2'ની વાર્તા?
આ ભાગમાં ફિલ્મની વાર્તા વધુ ઊંડી અને ભાવનાત્મક વળાંકોથી ભરેલી હશે. ટીઝરમાં એ વાત પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે કે જસકીરત સિંહ રંગી (રણવીર સિંહ) કેવી રીતે 'હમઝા અલી મજારી' બને છે. પોતાના દેશની રક્ષા કાજે અને બદલો લેવા માટે તે વિશ્વની સૌથી ખતરનાક ગેંગમાં ઘૂસણખોરી કરે છે. આ સફર અને તેની પાછળનું કારણ જ 'ધુરંધર 2'નું મુખ્ય આકર્ષણ છે.
બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તૂટશે
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત 'ધુરંધર' માત્ર એક ફિલ્મ જ નહીં પરંતુ ભારતીય સિનેમાનો એક હિસ્સો બની ગઈ છે. અગાઉના ભાગે બોક્સ ઓફિસ પર અંદાજે ₹1300 કરોડનું અધધ કલેક્શન કરીને હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા. હવે 'ધુરંધર: ધ રીવેન્જ' સાથે આ સિનેમેટિક યુનિવર્સ વધુ મોટું અને શક્તિશાળી બનવા જઈ રહ્યું છે.
ફિલ્મની રિલીઝ અને વ્યૂહાત્મક તૈયારી
નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી દીધી છે. ફિલ્મ 'ધુરંધર 2' ઈદ, ગુડી પડવો અને ઉગાદીના અવસરે 19 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે. દક્ષિણ ભારતમાં વધતી જતી માંગને જોતા નિર્માતાઓએ આ ફિલ્મને મોટા પાયે પાન-ઈન્ડિયા લેવલ પર રિલીઝ કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. 'ધુરંધર: ધ રીવેન્જ' એક હાઈ-ઓક્ટેન સ્પાય-એક્શન થ્રિલર છે. તેનું લેખન અને દિગ્દર્શન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર તેના સહ-નિર્માતા છે.
