GSEB HSC Science Practical Exams 2026: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. જે પહેલા આજે 5 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ રહી છે. ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના અંદાજે 70 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ આપશે પ્રેક્ટિકલ પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડના મોનિટરિંગ હેઠળ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં આ વર્ષે રાજ્યભરમાંથી 1.30 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાં બી ગ્રુપના અંદાજે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે, અને એ ગ્રુપના 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે.
ત્રણ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા
આપને જણાવી દઈએ કે, ધોરણ 12 માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન એમ ત્રણ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે છે. એ ગ્રુપમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ત્રણ વિષયો હોય છે, પરંતુ ગણિતમાં પ્રેક્ટિકલ પરીક્ષા હોતી નથી. બી ગ્રુપમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન ત્રણ વિષયો હોય છે.
વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા
વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ કેમિસ્ટ્રીમાં 112070, ફિઝિક્સમાં 112071 અને બાયોલોજીમાં 66,888 વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષા માટે નોંધાયા છે. આ પરીક્ષા આગામી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે, ત્યારબાદ 17 ફેબ્રુઆરીથી CBSE બોર્ડની પરીક્ષા અને 26 ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની લેખિત પરીક્ષા શરુ થશે.
પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરરીતિ નહીં ચાલે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ સ્લોટ પ્રમાણે પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. કેટલીક સ્કૂલ પ્રેક્ટિકલમાં વિદ્યાર્થીઓને ઊંચા માર્કસ આપી દેતા હોવાની ફરિયાદો બહાર આવી હતી. જેથી હવે દરેક જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા માટે અલગથી નિરીક્ષકની નિયુક્તિ કરવામાં આવશે, જે પ્રેક્ટિકલ પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખશે.
સ્કૂલ સંચાલકોએ પરીક્ષાના માર્ક ઓનલાઈન મોકલવા પડશે
પ્રેક્ટિકલ પરીક્ષા પૂરી થતાંની સાથે જ દરરોજ વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને મોકલી આપવાના રહેશે. જેના કારણે સ્કૂલ દ્વારા પાછળથી કેટલાક વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ ગુણમાં સુધારો કરવામાં આવતો હોવાની ફરિયાદ પર રોક લગાવી શકાશે. પરીક્ષાર્થીઓના પ્રાયોગિક વિષયના ગુણ પરીક્ષાર્થીઓને ફાળવેલા પરીક્ષાના SID નંબરના આધારે ભરવાના રહેશે.
