CBSE New Syllabus: CBSE બોર્ડ દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને આધુનિક ફેરફાર કરવામાં આવ્યો છે. નવા અભ્યાસક્રમ મુજબ, CBSE દ્વારા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે 'કોમ્પ્યુટેશનલ થિંકિંગ' (CT) અને 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' (AI) પર આધારિત નવો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ નિર્ણયથી બાળકોમાં નાનપણથી જ આધુનિક ટેકનોલોજી પ્રત્યે સમજ કેળવાશે અને ભવિષ્યની ડિજિટલ દુનિયા માટે તેમને તૈયાર કરવામાં આવશે.
ટેકનોલોજીના વપરાશકર્તા નહીં, સર્જક બનશે
આ નવા અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર ટેક્નોલોજીના વપરાશકર્તા (Users) જ નહીં, પરંતુ સર્જક (Creators) બનાવવાની દિશામાં આગળ વધારવાનો છે. નવા માળખા પ્રમાણે, બાળકોને ગેમ્સ અને પઝલ દ્વારા લોજિકલ વિચારસરણી શીખવવામાં આવશે.
પરીક્ષા-શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર
હવે સ્કૂલમાં માત્ર લેખિત પરીક્ષા પર નિર્ભર રહેવાને બદલે વિદ્યાર્થીઓની પ્રગતિ તપાસવા માટે સિટી પઝલ્સ, ઇન્ટરેક્ટિવ ગ્રૂપ એક્ટિવિટીઝ અને શિક્ષકોની ઓબ્ઝર્વેશન ડાયરીનો ઉપયોગ કરાશે. અહીં મુખ્ય ભાર વિદ્યાર્થીની સર્જનાત્મક વિચારસરણી અને મેળવેલા જ્ઞાનને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાની ક્ષમતા પર રહેશે.
આ ઉપરાંત, શિક્ષણ પદ્ધતિ રમતગમત અને પ્રવૃત્તિઓ પર આધારિત હશે, જેમાં ગાણિતિક રમતો, કોયડા અને વર્કશીટ દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવશે. શિક્ષકો વિદ્યાર્થીઓને જટિલ સમસ્યાને નાના ભાગમાં વહેંચીને ઉકેલવાનું અને ચાર્ટ તેમજ આકૃતિ દ્વારા સમજવાનું શીખવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 11,000 પ્રાથમિક શિક્ષકોની મેગા ભરતી, TET-1 પાસ ઉમેદવારોને સરકારી નોકરીની ગેરંટી
CT-AI શા માટે છે જરૂરી?
નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીની સર્જનાત્મક વિચારસરણી અને મેળવેલા જ્ઞાનને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાની ક્ષમતા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવશે. નવા અભ્યાસક્રમમાં આ વિષયોનો સમાવેશ કરવા પાછળના 4 મુખ્ય કારણો છે:
- તાર્કિક વિકાસ (Logical Development): તે વિદ્યાર્થીઓમાં વ્યવસ્થિત રીતે સમસ્યા નિવારણ (Problem Solving) અને પેટર્ન ઓળખવાની ક્ષમતા વિકસાવે છે.
- નૈતિક ઉપયોગ (Ethical Use): નાનપણથી જ બાળકો ટેક્નોલોજીના નૈતિક ઉપયોગ અને ડેટાના સચોટ વિશ્લેષણ વિશેની સાચી સમજ મેળવશે.
- સંકલિત શિક્ષણ (Integrated Learning): આ વિષય માત્ર કમ્પ્યુટર પૂરતો મર્યાદિત નથી. પરંતુ તે ગણિત, વિજ્ઞાન અને માનવતાના (Humanities) વિષયો સાથે પણ જોડાયેલો છે.
- ડિજિટલ નાગરિકતા (Digital Citizenship): આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભવિષ્યના જવાબદાર અને સજ્જ ડિજિટલ નાગરિક બનવામાં મદદરૂપ થશે.
આ પગલાં દ્વારા ગેમ્સ અને પઝલના માધ્યમથી ભારતના વિદ્યાર્થીઓને આવનારી ડિજિટલ દુનિયા માટે નાનપણથી જ તૈયાર કરવામાં આવશે.
