Loading...

સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝના નફામાં વાર્ષિક ધોરણે 49%નો વધારો: ત્રીજા ક્વાર્ટરમાં રૂપિયા 317 કરોડની આવક

કંપનીનો EBITDA ₹108.3 કરોડ રહ્યો છે, જે વાર્ષિક ધોરણે 75% અને ત્રિમાસિક ધોરણે 27% નો વધારો દર્શાવે છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Tue 03 Feb 2026 04:25 PM (IST)Updated: Tue 03 Feb 2026 04:25 PM (IST)
surat-ather-industries-profit-increases-by-49-percent-year-on-year-revenue-of-rs-317-crore-in-the-third-quarter-685163

સુરત: સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની અગ્રણી કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર (Q3 FY26) અને નવ મહિનાના શાનદાર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ગત વર્ષની સરખામણીની સાથે સાથે વર્તમાન નાણાકીય વર્ષના પાછલા ક્વાર્ટર (Q2) કરતા પણ ઉત્કૃષ્ટ વૃદ્ધિ નોંધાવી છે.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક રૂપિયા 317.1 કરોડ નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર (₹219.7 કરોડ) કરતા 44% અને બીજા ક્વાર્ટર (₹280.1 કરોડ) કરતા 13% વધારે છે. કંપનીનો EBITDA ₹108.3 કરોડ રહ્યો છે, જે વાર્ષિક ધોરણે 75% અને ત્રિમાસિક ધોરણે 27% નો વધારો દર્શાવે છે. નોંધનીય છે કે EBITDA માર્જિન વધીને 34.14% થયું છે, જે ગત વર્ષે આ સમયે 28.23% અને બીજા ક્વાર્ટરમાં 30.46% હતું. ટેક્સ પછીનો નફો (PAT) ₹64.5 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના ₹43.4 કરોડની સામે 49% નો જંગી વધારો સૂચવે છે.

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ નવ મહિનામાં કંપનીની કુલ ઓપરેટિંગ આવક ₹853.4 કરોડ રહી છે, જે ગત વર્ષના ₹598.4 કરોડની સામે 43% નો ગ્રોથ દર્શાવે છે. આ ગાળામાં EBITDA ₹271.6 કરોડ (78% વૃદ્ધિ) અને PAT ₹165.5 કરોડ (53% વૃદ્ધિ) નોંધાયો છે. આ દરમિયાન EBITDA માર્જિન પણ 25% થી વધીને 32% ના સ્તરે પહોંચ્યું છે.

એથર ઇન્ડસ્ટ્રીઝની સફળતા પાછળ તેનું વૈવિધ્યસભર બિઝનેસ મોડલ છે. કુલ આવકમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 43%, લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગનો 41% અને CRAMS નો હિસ્સો 8% રહ્યો છે. કંપનીના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, 'સાઇટ 3++' અને 'સાઇટ 5' નું કામ પૂરજોશમાં છે. સાઇટ 3++ પર અત્યારે ટ્રાયલ્સ ચાલી રહ્યા છે અને માર્ચ 2026 થી મિલીકન (Milliken) માટે હાઈ-વેલ્યુ પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ થશે. સાઇટ 5 ના ફેઝ-1 માં પણ માર્ચથી ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે, જ્યારે ફેઝ-2 નું કામ શરૂ કરી દેવાયું છે.

કંપનીએ ગ્રોથ માટે R&D (સંશોધન) પાછળ વર્તમાન નાણાકીય વર્ષમાં ₹60.61 કરોડનો ખર્ચ કર્યો છે, જે કુલ આવકના 7.01% છે. કંપનીએ પોતાના રિસર્ચ સેન્ટરમાં 20 નવા ફ્યુમ હૂડ્સ ઉમેર્યા છે. છેલ્લા નવ મહિનામાં કંપનીએ 15 નવા ગ્રાહકો મેળવ્યા છે અને 36 જેટલા વિવિધ ઓડિટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ખાસ વાત એ છે કે કંપનીની ટીમ અત્યંત સ્ફૂર્તિલી છે, જેમાં કર્મચારીઓની સરેરાશ ઉંમર માત્ર 30 વર્ષ છે.

પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કંપનીના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર રોહન દેસાઈએ જણાવ્યું હતું કે, "આ ક્વાર્ટરના પરિણામો અમારી સચોટ વ્યૂહરચનાનું પરિણામ છે. અમે કેમિકલ બિઝનેસમાં ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ. આગામી સમયમાં પણ અમે નવી ક્ષમતાઓ અને ટેકનોલોજીમાં રોકાણ ચાલુ રાખીશું જેથી શેરહોલ્ડર્સ અને ગ્રાહકો માટે વધુ વેલ્યુ ક્રિએટ કરી શકાય."