Loading...

Stock Market Bloodbath: શેરબજારમાં હાહાકાર; સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો,નિફ્ટીએ 23,700 સપાટી ગુમાવી, ક્રૂડના વધતા ભાવ વચ્ચે સંપત્તિમાં ભારે ધોવાણ

US ડોલર સામે રૂપિયો સતત તૂટતા, વિદેશી ફંડોની ભારે વેચવાલી તથા વૈશ્વિક બજારોમાંથી આવેલા મંદીના સંકેતોની ભારતીય શેરબજાર પર અસર જોવા મળતી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 12 Mar 2026 06:34 PM (IST)Updated: Thu 12 Mar 2026 06:36 PM (IST)
markets-extend-losses-for-2nd-day-on-soaring-crude-prices-west-asia-turmoil-sensex-tanks-800-pts-707130

Stock Market Bloodbath: પશ્ચિમ એશિયામાં ભારે કટોકટી અને અરાજકતાભરી સ્થિતિમાં ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે બેન્ચમાર્ક સેન્સેક્સ આશરે 800 પોઇન્ટ તૂટ્યો છે. US ડોલર સામે રૂપિયો સતત તૂટતા, વિદેશી ફંડોની ભારે વેચવાલી તથા વૈશ્વિક બજારોમાંથી આવેલા મંદીના સંકેતોની ભારતીય શેરબજાર પર અસર જોવા મળતી હતી.

BSE સેન્સેક્સ 829.29 પોઇન્ટ એટલે કે 1.08 ટકા તૂટી 76,034.42 રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં એક સમયે સન્સેક્સ 992.53 પોઇન્ટ એટલે કે 1.29 ટકા ઘટી 75,871.18 બોલાયો હતો.

નિફ્ટી-50 પણ 227.70 પોઇન્ટ એટલે કે 0.95 ટકા ઘટી 23,639.15 રહ્યો હતો. રૂપિયાનું મૂલ્ય 16 પૈસા તૂટી 92.17 પૈસા રહ્યો હતો.
આ અગાઉ બુધવારે સેન્સેક્સ 1,342.27 પોઇન્ટ એટલે કે 1.72 ટકા ગગડી 76,863.71 પર રહ્યો હતો. નિફ્ટી પણ 394.75 પોઇન્ટ તૂટી 23,866.85 રહ્યો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાન શેરનો ભાવ 4.23 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત મારુતિ, બજાજ ફાયનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટ્રેન્ટના શેરોમાં મંદી જોવા મળતી હતી. જોકે NTPC, પાવર ગ્રિડ, ટેક મહિન્દ્રા, HCL ટેકનોલોજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરો સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવ 4.78 ટકા વધી 96.47 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. ઓઈલ-શિપિંગ જહાજો પર નવેસરથી હુમલા થતા વૈશ્વિકસ્તરે જોખમનું પ્રમાણ વધ્યું છે. આ સંજોગોમાં પ્રતિ બેરલ 100 ડોલરની નજીક ભાવ પહોંચી ગયા છે. બુધવારે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ રૂપિયા 6,267.31 કરોડની વેચવાલી કરી હતી.