Financial year 2026-27 New IT Rules: આગામી 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાંકીય વર્ષમાં (2026-27) આવકવેરા અને અન્ય નાણાકીય નિયમોમાં અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગ, પેન્શનરો અને સામાન્ય નાગરિકો પર પડશે. ચાલો જાણીએ આ નવા નિયમો વિશે વિગતવાર...
ફોર્મ 16 ની જગ્યા લેશે ફોર્મ 130, કેવું હશે?
નાણાકીય વર્ષ 2026-27 ની આવકનો ટેક્સ ભરવા માટે હવે પહેલાની જેમ ફોર્મ 16 ના બદલે ફોર્મ 130 નો ઉપયોગ કરવામાં આવશે. નોકરીદાતાઓ તેમના કર્મચારીઓને અને બેંકો પેન્શનરોને દર વર્ષે 15 જૂન સુધીમાં આ ફોર્મ જારી કરશે.
A, B અને C એમ ત્રણ ભાગ
- પાર્ટ A માં નોકરીદાતાની વિગતો અને કર્મચારીની બેંક ડિટેલ્સ હશે.
- પાર્ટ B માં જમા થયેલ રકમ અને કપાત થયેલ TDS ની માહિતી હશે.
- પાર્ટ C મુખ્યત્વે પગારદારો માટે હશે, જેમાં પગારનું પૂરું બ્રેકઅપ અને ટેક્સની માહિતી હશે.
પેન્શરોના કિસ્સામાં શું કરવું?
પેન્શનરોના કિસ્સામાં, જો તેમની પેન્શન ટેક્સેબલ આવક હેઠળ આવતી હશે તો જ પાર્ટ C ઉમેરવામાં આવશે. જો ફોર્મ 130 માં કોઈ ખોટી માહિતી હોય, તો નોકરીદાતાએ તેને સુધારવા માટે ફોર્મ 138 ભરવું પડશે. નોંધનીય છે કે ITR ભરતી વખતે ફોર્મ 130 જોડવાની જરૂર રહેશે નહીં.
આ પણ વાંચો
ક્રિપ્ટોકરન્સી પર કાપવો પડશે TDS
1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં, ક્રિપ્ટોકરન્સી વેચનારા એક્સચેન્જો માટે તેના પર TDS કાપવો ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આનાથી સરકાર પાસે ક્રિપ્ટો ખરીદનાર લોકોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ રહેશે. નાણાકીય વર્ષ 2026-27 નું ITR ભરતી વખતે ક્રિપ્ટોની સંપૂર્ણ વિગતો આપવી ફરજીયાત રહેશે. જો એક્સચેન્જ TDS નહીં કાપે તો તેના પર દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.
ગોલ્ડ લોનના નિયમોમાં ગ્રાહકલક્ષી ફેરફાર
RBI દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, 2.5 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોન લેનારા ગ્રાહકોને હવે પહેલા કરતા ઓછા સોનાના મૂલ્ય પર લોન મળશે.
- અત્યાર સુધી 2.5 લાખ સુધીની લોન પર લોન ટુ વેલ્યુ (LTV) 75 ટકા હતો, જે હવે વધારીને 85 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે, 100 રૂપિયાની કિંમતના સોના પર હવે 85 રૂપિયા સુધીની લોન મળી શકશે.
- ગ્રાહક લોનની સંપૂર્ણ રકમ ચૂકવી દે ત્યારબાદ બેંકે 7 દિવસની અંદર ગીરવે મૂકેલું સોનું પરત કરવું ફરજિયાત છે, જો આમ ન થાય તો બેંકને દરરોજ 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
50 હજારથી વધુ વ્યાજ પર કપાશે TDS
આવકવેરા કાયદા હેઠળ, જો કોઈ નાણાકીય વર્ષમાં બેંક કે પોસ્ટ ઓફિસની થાપણોમાંથી થતી વ્યાજ આવક 50 હજાર રૂપિયાથી વધુ હશે, તો બેંક દ્વારા તેના પર TDS કાપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે આ મર્યાદા એક લાખ રૂપિયાથી વધુની રાખવામાં આવી છે.
અન્ય મહત્વના ફેરફારો
- ATM વ્યવહાર: HDFC બેંકના ATM માંથી UPI દ્વારા કરવામાં આવતો ઉપાડ મફત વ્યવહારોની મર્યાદાનો હિસ્સો ગણાશે. HDFC ગ્રાહકો મેટ્રો શહેરોમાં 3 વખત અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ઉપાડ કરી શકશે, ત્યારબાદ નિયત શુલ્ક ચૂકવવો પડશે.
- ડેબિટ કાર્ડ લિમિટ: પંજાબ નેશનલ બેંક (PNB) ના કેટલાક ડેબિટ કાર્ડ્સથી હવે રોજના માત્ર 50,000 રૂપિયા સુધીનો જ ઉપાડ કરી શકાશે.
- પાન કાર્ડ (PAN Card): નવું પાન કાર્ડ બનાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં, જન્મ તારીખની ચકાસણી માટે આધાર સાથે ધોરણ 10 નું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ જેવા દસ્તાવેજો પણ આપવા પડશે.
- ફાસ્ટેગ (FASTag): નેશનલ હાઇવે ઓથોરિટીનો વાર્ષિક ફાસ્ટેગ 75 રૂપિયા મોંઘો થયો છે, જે હવે 3,000 રૂપિયાના બદલે 3,075 રૂપિયામાં મળશે.
- રેલવે ટિકિટ રિફંડ: કન્ફર્મ ટિકિટને ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા કેન્સલ કરાવવા પર જ રિફંડ મળશે, ત્યારબાદ ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ જ રિફંડ આપવામાં આવશે નહીં.
