ITR Filing 2026: આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થતાં જ મોટા ભાગના કરદાતાઓ માત્ર કપાત (Deductions) અને ટેક્સ મુક્તિ (Exemptions) મેળવવાના વિકલ્પો શોધવા લાગે છે. જોકે, ભારતીય આવકવેરા કાયદામાં એવી કેટલીક આવકનો પણ ઉલ્લેખ છે જેના પર સરકાર બિલકુલ કર વસૂલતી નથી.
નિયમોની સચોટ માહિતી રાખવામાં આવે તો કાયદેસર રીતે ટેક્સની મોટી બચત કરી શકાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે ITR ફાઇલ કરતા પહેલાં, દેશના જાણીતા CA એક્સપર્ટ્સ પાસેથી સમજીએ એવી 5 મુખ્ય આવક વિશે જે સંપૂર્ણપણે કરમુક્ત છે.
શું નજીકના સંબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ લાગે છે?
આવકવેરાના નિયમો હેઠળ જો કોઈ વ્યક્તિને તેના જીવનસાથી (પતિ/પત્ની), માતા-પિતા, સાસુ-સસરા અથવા નજીકના સંબંધીઓ તરફથી કોઈ ભેટ કે રોકડ મળે છે, તો તે સંપૂર્ણ રકમ કરમુક્ત ગણાય છે. આ ઉપરાંત, લગ્ન જેવા ખાસ પ્રસંગોએ સંબંધીઓ કે મિત્રો તરફથી મળતી ભેટ અથવા રોકડ પર પણ કોઈ ટેક્સ લાગતો નથી, શરત માત્ર એટલી જ છે કે તે આપનાર વ્યક્તિ તમારા એમ્પ્લોયર ન હોવા જોઈએ.
જોકે અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જો લગ્ન સિવાયના અન્ય પ્રસંગોએ, કોઈ બિન-નિર્દિષ્ટ વ્યક્તિ (જે નજીકના સંબંધીની વ્યાખ્યામાં નથી આવતા) પાસેથી રોકડ, જંગમ કે સ્થાવર મિલકતના સ્વરૂપમાં ગિફ્ટ મળે અને તેનું કુલ મૂલ્ય 50,000 રૂપિયાથી વધુ હોય, તો તે સંપૂર્ણ રકમ મેળવનાર વ્યક્તિ માટે કરપાત્ર બને છે.
વસિયત કે વારસામાં મળેલી મિલકત પર કેટલો ટેક્સ ચૂકવવો પડે?
ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે વસિયત કે વારસામાં મળેલી મિલકત પર કેટલો ટેક્સ ચૂકવવો પડે. આ અંગે સીએ એક્સપર્ટ્સ જણાવે છે કે કોઈ વ્યક્તિના અવસાન બાદ તેના કાનૂની વારસદારોને વસિયતનામા (Will) અથવા ઉત્તરાધિકારના નિયમો હેઠળ જે મિલકત, જમીન, દાગીના કે રોકડ મળે છે, તેના પર પ્રાપ્તિ સમયે કોઈ ટેક્સ લાગતો નથી, કારણ કે આવકવેરા કાયદો વારસામાં મળેલી સંપત્તિને ભેટ કર (Gift Tax) ના નિયમોમાંથી મુક્તિ આપે છે.
જોકે, વારસદારોએ એ સમજવું ખાસ જરૂરી છે કે વારસામાં મળેલી મિલકત ટ્રાન્સફર થાય ત્યારે ભલે ટેક્સ ન લાગે, પરંતુ ભવિષ્યમાં જો તે મિલકતમાંથી કોઈ નવી આવક ઊભી થાય, જેમ કે વારસામાં મળેલા ફ્લેટ કે દુકાનને ભાડે આપવાથી થતી ભાડાની આવક, તો તે ભાડાની રકમ પર વારસદારે નિયમ મુજબ ટેક્સ ચૂકવવો પડશે.
કૃષિ આવક પર ટેક્સની શું જોગવાઈ છે?
ભારતમાં આવેલી ખેતીની જમીનમાંથી થતી આવક આવકવેરા કાયદાની કલમ 10(1) હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત રાખવામાં આવી છે. દેશના ખેડૂતોને ટકાઉ ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે આ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ખેતીની સીધી પ્રવૃત્તિઓમાંથી થતી કમાણી, પાકના વેચાણમાંથી થતી આવક, ખેતીની જમીન કે ખેતરના ભાડામાંથી મળતી રકમ તેમજ કૃષિ કામગીરી સાથે જોડાયેલી અન્ય ગૌણ આવકનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે, આ નિયમ માત્ર ભારતમાં આવેલી કૃષિ ભૂમિ માટે જ લાગુ પડે છે. જો કોઈ ભારતીય રહેવાસી વિદેશમાં આવેલી ખેતીની જમીનમાંથી આવક મેળવે છે, તો તેના પર ભારતમાં નિયમ મુજબ ટેક્સ ચૂકવવો પડે છે.
લાઈફ ઈન્સ્યોરન્સની મેચ્યોરિટી રકમ પર ટેક્સ ક્યારે નથી લાગતો?
આવકવેરા કાયદાની કલમ 10(10D) હેઠળ જીવન વીમા પૉલિસી (Life Insurance Policy) ની પાકતી મુદત સમયે મળતી રકમ અને બોનસ ટેક્સ ફ્રી હોય છે, પરંતુ તેના માટે કેટલીક નાણાકીય મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. જેમાં 1 એપ્રિલ 2012 પછીની પૉલિસી માટે વાર્ષિક પ્રીમિયમની રકમ કુલ વીમાકૃત રકમ (Sum Assured) ના 10 ટકાથી વધુ ન હોવી જોઈએ, જ્યારે 1 એપ્રિલ 2012 પહેલાંની પૉલિસી માટે વાર્ષિક પ્રીમિયમની મર્યાદા કુલ વીમાકૃત રકમના 20 ટકા સુધીની રાખવામાં આવી છે.
આ સિવાય નવા પ્રીમિયમ નિયમ મુજબ, પાછલા કોઈપણ નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલું કુલ પ્રીમિયમ 5,00,000 રૂપિયાથી વધુ ન હોવું જોઈએ. આ નિયમો યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (ULIP), એન્ડોમેન્ટ પ્લાન્સ અને પરંપરાગત જીવન વીમા પૉલિસીઓ પર સમાન રીતે લાગુ પડે છે, અને જો પૉલિસી આ બધી શરતો પૂરી કરતી હોય તો જ મેચ્યોરિટીના નાણાં સંપૂર્ણપણે કરમુક્ત રહે છે.
કઈ રોકાણ યોજનાઓની વ્યાજની આવક સંપૂર્ણ કરમુક્ત છે?
સરકાર નાગરિકોમાં બચતની પ્રવૃત્તિ વધારવા માટે કેટલીક ચોક્કસ સરકારી યોજનાઓના વ્યાજ અને પાકતી મુદત (Maturity) ની રકમને ટેક્સ ફ્રી રાખે છે. સીએ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અથવા સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (VPF) જેવી યોજનાઓમાં રોકાણ કરો છો, તો તેના પર મળતા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી.
આ તમામ યોજનાઓમાં મુખ્ય શરત એ છે કે રકમ સમય મર્યાદા પહેલાં (Premature) ઉપાડવામાં ન આવે. પરિપક્વતાનો ગાળો પૂર્ણ થયા બાદ જ્યારે નાણાં ઉપાડવામાં આવે, ત્યારે વ્યાજ સહિતની સમગ્ર રકમ 100 ટકા કરમુક્ત હોય છે. જો સમય પહેલાં નાણાં ઉપાડવામાં આવે, તો ટેક્સ લાગવાની સાથે કાયદાકીય દંડ પણ થઈ શકે છે.
