EPFO Withdrawal Rules: PF માંથી ક્યારે, કેવી રીતે અને કેટલા પૈસા ઉપાડી શકાય? એક્સપર્ટ પાસેથી જાણો 10 મોટા સવાલોના જવાબ

ચાલુ નોકરીએ પીએફના કેટલા પૈસા ઉપાડી શકાય? નોકરી બદલતી વખતે પીએફ અને પેન્શન ઉપાડવાના નવા નિયમો અને ગ્રેચ્યુઇટીની સંપૂર્ણ વિગતો અહીં જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 16 Jun 2026 12:17 PM (IST)Updated: Tue, 16 Jun 2026 12:17 PM (IST)
epfo-pf-withdrawal-rules-online-claim-process-pension-benefits

EPFO Withdrawal Rules: ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ માટે PF અને પેન્શન ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય સ્ત્રોત છે. નોકરી બદલતી વખતે કે ચાલુ નોકરીએ પીએફના પૈસા કેવી રીતે અને કેટલા ઉપાડી શકાય, પેન્શનના નિયમો શું છે, અને ગ્રેચ્યુઇટી ન મળે તો શું કરવું આ તમામ મૂંઝવણોને દૂર કરવા માટે પર્સનલ CFO કન્સલ્ટન્ટ LLP ના સ્થાપક અને CEO સુશીલ જૈને 10 મુખ્ય પ્રશ્નોના સરળ ભાષામાં જવાબો આપ્યા છે.

1. નોકરી બદલ્યા પછી પાછલી કંપનીમાંથી PF ના પૈસા ક્યારે અને કેવી રીતે ઉપાડી શકાય?

    જો તમે નોકરી છોડી દીધી હોય અને બે મહિના સુધી બેરોજગાર રહો, તો તમે પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. જો કે, રાજીનામું આપ્યાના એક મહિના પછી તમે 75% રકમ ઉપાડી શકો છો.

    ઉપાડવાની પ્રક્રિયા

    EPFO ના સભ્ય સેવા પોર્ટલ પર UAN અને પાસવર્ડથી લોગ ઇન કરો.
    ‘Service History’ માં જઈને ખાતરી કરો કે જૂની કંપનીની Date of Exit અપડેટ થયેલી છે. જો ન હોય, તો ‘Manage > Mark Exit’ માં જઈને જાતે અપડેટ કરો.
    ‘Online Services’ માં ‘Claim’ પર ક્લિક કરી, બેંક ખાતું ચકાસો અને ‘Only PF Withdrawal’ અથવા ‘Only Pension Withdrawal’ પસંદ કરો.
    આધાર લિંક્ડ મોબાઇલ પર આવેલો OTP દાખલ કરી દાવો સબમિટ કરો.

    2. શું ચાલુ નોકરીએ PF માંથી પૈસા ઉપાડી શકાય?

      હા, વર્તમાન કંપનીમાં કામ કરતી વખતે પણ લગ્ન, ઉચ્ચ શિક્ષણ, બીમારી કે ઘરના સમારકામ જેવા ચોક્કસ કારણોસર આંશિક રકમ ઉપાડી શકાય છે. તબીબી અથવા લગ્ન સમયે કર્મચારીના કુલ હિસ્સા અને વ્યાજના 50% સુધી, ઘરનું સમારકામ માટે કુલ હિસ્સાના 90% સુધી, ઉચ્ચ શિક્ષણ માટે કર્મચારીના હિસ્સાના 50% સુધી; જો તમે બેરોજગારી હોય તો એક મહિનાની બેરોજગારી પર 75% અને બે મહિના પછી બાકીના 25% રકમ ઉપાડી શકાય છે.

      3. એક જ વર્ષમાં પીએફ ખાતામાંથી કેટલી વાર પૈસા ઉપાડી શકાય?

        EPFO દ્વારા વર્ષમાં આંશિક ઉપાડની સંખ્યા પર કોઈ ચોક્કસ મર્યાદા નથી, પરંતુ તે કારણો પર આધાર રાખે છે મેડિકલ કટોકટી સામાન્ય રીતે બે દાવા વચ્ચે એક મહિનાનો તફાવત હોવો જોઈએ,શિક્ષણ અને લગ્નમાં શિક્ષણ માટે જીવનમાં મહત્તમ 10 વખત અને લગ્ન માટે 5 વખત ઉપાડી શકાય છે. તેમજ ઘર ખરીદવા/બનાવવા માટો જીવનમાં માત્ર એક જ વાર આ લાભ મળે છે.

        4. પેન્શન ફંડ (EPS) ના પૈસા ઉપાડવાના નિયમો શું છે?

          તે તમારી કુલ સેવાના વર્ષો પર આધાર રાખે છે: 10 વર્ષથી ઓછી સેવામાં તમે પીએફની સાથે પેન્શનના તમામ પૈસા એકસાથે ઉપાડી શકો છો. 10 વર્ષ કે તેથી વધુ સેવામાં તમે આ રકમ એકસાથે ઉપાડી શકતા નથી. આ ભંડોળ લોક થઈ જાય છે અને 58 વર્ષની ઉંમર પછી તમને આજીવન માસિક પેન્શન મળે છે.

          5. શું પેન્શન ફંડ પર વાર્ષિક વ્યાજ મળે છે?

            ના, EPS પર વાર્ષિક વ્યાજ મળતું નથી. કંપનીના યોગદાનના 8.33% જે પેન્શન ફંડમાં જાય છે, તે ભવિષ્યમાં પેન્શન આપવા માટે એક પૂલ તરીકે કામ કરે છે. વ્યાજ માત્ર પ્રોવિડન્ટ ફંડના હિસ્સા પર જ મળે છે, જેમાં કર્મચારીના 12% અને કંપનીના 3.67% જમા થાય છે.

            6. બહુવિધ પીએફ ખાતા મર્જ ન કરવાથી કઈ મુશ્કેલીઓ થાય?

              જો તમે 5-6 કંપનીઓ બદલી હોય અને ખાતા મર્જ ન કર્યા હોય તો નીચેની સમસ્યાઓ થઈ શકે છે: જો કોઈ ખાતામાં 5 વર્ષની સતત સેવા ન થઈ હોય તો ઉપાડ પર 10% TDS કપાઈ શકે છે. ખાતા મર્જ કરવાથી બધી સેવાઓ એકસાથે ગણાય છે અને ટેક્સ બચે છે.એ સિવાય ખાતું 36 મહિનાથી વધુ નિષ્ક્રિય રહે તો જૂના નિયમો મુજબ વ્યાજ અટકી શકે છે.તેમજ બધી કંપનીઓનો સેવા ઇતિહાસ મર્જ ન થાય તો 10 વર્ષની પેન્શનપાત્ર સેવાની ગણતરી ખોટી પડી શકે છે. ટ્રેકિંગમાં પણ અલગ-અલગ ખાતાઓ અને પાસબુક મેનેજ કરવી મુશ્કેલ બને છે.

              7. શું પીએફમાં 12% થી વધુ યોગદાન આપી શકાય?

                હા, કર્મચારી ઈચ્છે તો ફરજિયાત 12% થી વધુ રકમ પીએફમાં જમા કરાવી શકે છે, જેને સ્વૈચ્છિક પ્રોવિડન્ટ ફંડ કહેવાય છે. કર્મચારી પોતાના બેઝિક સેલરી અને DA ના 100% સુધી યોગદાન આપી શકે છે. આના પર પણ સામાન્ય પીએફ જેટલું જ વ્યાજ અને સેક્શન 80C હેઠળ ટેક્સ મુક્તિ મળે છે.

                8. શું કર્મચારી અને નોકરીદાતા બંનેનું યોગદાન એકસાથે ઉપાડી શકાય?

                  હા, જો નોકરી છોડી દીધી હોય અથવા નિવૃત્ત થયા હોવ, તો બે મહિના પછી બંનેનો હિસ્સો એકસાથે ઉપાડી શકાય છે. ચાલુ નોકરીએ પણ ઘર ખરીદવા જેવા કિસ્સામાં ચોક્કસ શરતો સાથે બંને હિસ્સા ઉપાડી શકાય છે, પરંતુ ખાતામાં કુલ રકમના 25% લઘુત્તમ બેલેન્સ રાખવું ફરજિયાત છે.

                  9. શું પેન્શનની આખી રકમ ઉપાડ્યા પછી પણ પેન્શન મળી શકે?

                    ના, જો તમે 10 વર્ષથી ઓછી સેવાની સ્થિતિમાં પેન્શનની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી લો છો, તો ભવિષ્યમાં નિવૃત્તિ પછી પેન્શન મેળવવાનો તમારો હક સમાપ્ત થઈ જાય છે. 10 વર્ષથી વધુ સેવા હોય તો ઉપાડ અશક્ય છે અને તમારે 'સ્કીમ સર્ટિફિકેટ' લેવું પડે છે, જેથી 58 વર્ષની ઉંમરે પેન્શન ચાલુ થાય.

                    10. કંપની 10 વર્ષની સેવા પછી ગ્રેચ્યુઇટી ન આપે તો શું કરવું?

                      જો કંપની ગ્રેચ્યુઇટી ચૂકવવાનો ઇનકાર કરે, તો સૌથી પહેલા કંપનીને લેખિતમાં વિનંતી કરો. જો 30 દિવસમાં કોઈ ઉકેલ ન આવે, તો તમારા વિસ્તારના Labour Commissionerની કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવો. શ્રમ અધિકારી કંપનીને વ્યાજ અને દંડ સાથે ગ્રેચ્યુઇટી ચૂકવવાનો આદેશ આપી શકે છે.