Ethanol Fuel in India: ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર લાવતું એક મહત્વનું નિવેદન આપ્યું છે. ગડકરીએ જાહેરાત કરી છે કે તેમણે ભારતમાં 100 ટકા ઇથેનોલ (Ethanol)થી ચાલતા વાહનોને કાયદાકીય મંજૂરી આપતી ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિદેશી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો અને પ્રદૂષણ મુક્ત પરિવહન વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.
શું છે આ 100% ઇથેનોલ પ્લાન?
નાગપુર ખાતે એનડીએ (NDA) સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં નીતિન ગડકરીએ આ વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ગત રાત્રે 8 વાગ્યે તેમણે આ ઐતિહાસિક ફાઈલ પર સહી કરી છે. ઇથેનોલ, જે મુખ્યત્વે ખેતીવાડીની પેદાશોમાંથી મેળવવામાં આવે છે, તે હવે ભારતમાં પેટ્રોલનો એક મજબૂત અને પર્યાવરણલક્ષી વિકલ્પ બનવા જઈ રહ્યું છે.
ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટો ફેરફાર
કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં ભારતીય રસ્તાઓ પર ઈથેનોલથી ચાલતી કારો જોવા મળશે. તેમણે માહિતી આપી કે- ટોયોટા, સુઝુકી, એમજી (MG) અને હ્યુન્ડાઈ જેવી દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓ આગામી દોઢ મહિનામાં 100% ઈથેનોલ પર આધારિત વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ વાહનો પરંપરાગત ઈંધણના વપરાશને ઘટાડવામાં મદદરૂપ થશે. ગત સપ્તાહે સરકારે E85 ઈંધણ અને તેને સપોર્ટ કરતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે પણ નવી નીતિ રજૂ કરી હતી.
'લોકો હસતા હતા, પણ આજે તે સત્ય છે'
પોતાના સંબોધનમાં ભાવુક થતા ગડકરીએ જણાવ્યું કે જ્યારે તેમણે પ્રથમવાર 100% ઇથેનોલના ઉપયોગનો વિચાર રજૂ કર્યો હતો, ત્યારે અનેક લોકોએ તેની મજાક ઉડાવી હતી. ઘણા મિત્રોએ આ આઈડિયાની ટીકા પણ કરી હતી. પરંતુ આજે, આ વિચાર એક વાસ્તવિકતા બની ગયો છે, જે ભારતને 'ઈંધણ આયાત કરનાર' દેશમાંથી 'ઈંધણ ઉત્પાદક' દેશ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
શા માટે ઇથેનોલ મહત્વનું છે?
વિદેશી મુદ્રાની બચત: ભારત હાલમાં તેની જરૂરિયાતનું મોટું ઈંધણ વિદેશથી આયાત કરે છે. ઇથેનોલનો ઉપયોગ કરવાથી આયાત બિલમાં મોટો ઘટાડો થશે.
ખેડૂતોને ફાયદો: ઇથેનોલ શેરડી અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બને છે, જેથી દેશના ખેડૂતોની આવકમાં વધારો થશે.
પ્રદૂષણ ઘટાડો: ઇથેનોલ પેટ્રોલની તુલનામાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે.
