New Rules 1st June 2026: આજથી બદલાઈ ગયા UPI, રેલ્વે અને બેંકિંગના આ મહત્વના નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

New Rules 1st June 2026: આજથી દેશમાં UPI પેમેન્ટ, ATM ટ્રાન્ઝેક્શન, PAN કાર્ડ અને ભારતીય રેલ્વેના નિયમોમાં મોટા ફેરફારો અમલમાં આવ્યા છે. જાણો તમારા બજેટ પર આની શું અસર પડશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 01 Jun 2026 12:35 AM (IST)Updated: Mon, 01 Jun 2026 12:35 AM (IST)
new-rule-changes-from-1-june-2026-india-lpg-png-cng-upi-atm-pan-card-upi-indian-railways-credit-card-fd-rates-and-more

New Rules 1st June 2026: આજથી એટલે કે 1 જૂન, 2026થી દેશમાં સામાન્ય નાગરિકના ખિસ્સા અને રોજિંદા જીવન સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે તમારા માસિક બજેટને લઈને સજાગ છો, તો આ ફેરફારો વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. UPI પેમેન્ટ, LPG સિલિન્ડરના ભાવ, આઈટી નિયમો અને રેલ્વે મુસાફરી સંબંધિત બદલાયેલા આ નિયમો તમારા નાણાકીય આયોજનને સીધી રીતે પ્રભાવિત કરશે. આવો વિગતવાર જાણીએ કે આજથી દેશમાં કયા મોટા ફેરફારો અમલમાં આવ્યા છે.

UPI પેમેન્ટમાં મોટો સુધારો

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ઓનલાઇન ફ્રોડ રોકવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવેથી જ્યારે પણ તમે QR કોડ અથવા મોબાઈલ નંબર દ્વારા કોઈને પૈસા મોકલશો, ત્યારે તમને પ્રાપ્તકર્તાનું બેંક ખાતામાં નોંધાયેલું સાચું નામ સ્ક્રીન પર દેખાશે. આ સુધારાથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાનું જોખમ નહિવત થઈ જશે.

રસોઈ ગેસના ભાવમાં ફેરફારની શક્યતા

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG, CNG અને PNGના ભાવોની સમીક્ષા કરે છે. વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા તણાવના કારણે સપ્લાય ચેઈનને અસર થઈ છે, જેના લીધે આ મહિને રસોઈ ગેસના ભાવમાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.

ભારતીય રેલ્વેના નવા નિયમો

જો તમે આ મહિનામાં ટ્રેન મુસાફરીનું આયોજન કરી રહ્યા છો, તો રેલ્વેના આ નવા નિયમો ખાસ નોંધી લેજો.

ટ્રેનો રદ અને ડાયવર્ઝન: ટ્રેક અપગ્રેડેશનના કામના કારણે દેશમાં આશરે 77 ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનોના રૂટ બદલાયા છે. આની સીધી અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના મુસાફરો પર પડશે.

વેઇટિંગ ટિકિટ પર પ્રતિબંધ: હવે સ્લીપર કોચમાં વેઇટિંગ લિસ્ટ ટિકિટ સાથે મુસાફરી કરતા પકડાવા પર ₹250નો દંડ થશે અને મુસાફરને જનરલ કોચમાં મોકલી દેવાશે.

AC કોચમાં દંડ: થર્ડ એસી અથવા સેકન્ડ એસીમાં વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરવા બદલ ₹440 દંડ અને સાથે મુસાફરીનું પૂરું ભાડું વસૂલવામાં આવશે. TTE પાસે મુસાફરને આગામી સ્ટેશને ઉતારી દેવાનો પણ અધિકાર રહેશે. વિના ટિકિટે મુસાફરી કરવા પર ₹1,000 સુધીનો દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે.

ATMમાંથી રોકડ ઉપાડવી બનશે મોંઘી

જૂન મહિનાથી ઘણી બેંકો પોતાના એટીએમ ટ્રાન્ઝેક્શન ફી માળખામાં ફેરફાર કરી રહી છે. નિયત મફત મર્યાદા (Free Limits) પૂર્ણ થયા બાદ રોકડ ઉપાડવા, મિની-સ્ટેટમેન્ટ કાઢવા કે બેલેન્સ ચેક કરવા જેવી સુવિધાઓ માટે ગ્રાહકોએ વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

PAN કાર્ડના નિયમોમાં ફેરફાર

આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ સંબંધિત નિયમો વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હવે બેંકમાં ₹50,000 સુધીની રોકડ જમા કરાવવા માટે પાન કાર્ડની જરૂર રહેશે નહીં, જે સામાન્ય ગ્રાહકો માટે મોટી રાહત છે. જોકે, ₹20 લાખથી વધુના પ્રોપર્ટીના સોદા અને ગિફ્ટ ડીડ જેવા મોટા વ્યવહારો માટે હવે PAN કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

સોલર પેનલ્સ માટેના નવા નિયમો

સરકાર સંચાલિત આ યોજના હેઠળ હવે માત્ર ALMM (Approved List of Models and Manufacturers) હેઠળ મંજૂર થયેલી સોલર પેનલ્સનો જ ઉપયોગ કરી શકાશે, જેના કારણે સોલર પેનલની કિંમતોમાં વધારો થઈ શકે છે.

જૂન મહિનામાં 11 દિવસ બેંકો રહેશે બંધ

RBI દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કેલેન્ડર મુજબ, જૂન 2026માં વિવિધ તહેવારો, રવિવાર અને બીજા-ચોથા શનિવારની રજાઓ મળીને દેશના અલગ-અલગ ભાગોમાં બેંકો કુલ 11 દિવસ બંધ રહેશે.

FD વ્યાજ દરોમાં સુધારા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની નીતિઓને પગલે ઘણી સરકારી અને ખાનગી બેંકો ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કરી રહી છે. કેટલીક જૂની સ્કીમ્સ બંધ થઈ શકે છે અને નવી આકર્ષક યોજનાઓ શરૂ થઈ શકે છે.