Loading...

EPF Deduction New Rule: નવા લેબર કોડની અસર, શું તમારો ઇન-હેન્ડ પગાર ઘટશે? જાણો PF અને ગ્રેચ્યુઈટીના બદલાયેલા નિયમો

શું નવા નિયમોથી હાથમાં આવતા પગાર (In-hand Salary) માં ઘટાડો થશે? આ 4 નવા શ્રમ સંહિતામાં જૂના 29 શ્રમ કાયદાઓને આવરી લેવામાં આવ્યા છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 27 Nov 2025 02:44 PM (IST)Updated: Thu 27 Nov 2025 02:44 PM (IST)
new-labour-codes-and-their-impact-on-take-home-salary-pf-contributions-645440

EPF Deduction New Rule: ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા નવા શ્રમ સંહિતા (New Labor Codes) લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નવા નિયમોના અમલીકરણ સાથે જ દેશભરના નોકરિયાત વર્ગમાં એક મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. શું નવા નિયમોથી હાથમાં આવતા પગાર (In-hand Salary) માં ઘટાડો થશે? આ 4 નવા શ્રમ સંહિતામાં જૂના 29 શ્રમ કાયદાઓને આવરી લેવામાં આવ્યા છે, જે સામાજિક સુરક્ષા અને વેતનની ગણતરીમાં મોટા ફેરફારો લાવશે.

પગારના માળખામાં શું બદલાવ આવશે?

નવા નિયમો મુજબ, કર્મચારીના પગારનું માળખું (Salary Structure) બદલવું ફરજિયાત બનશે. નવી વ્યાખ્યા અનુસાર, કર્મચારીનો મૂળ પગાર (Basic Salary) અને મોંઘવારી ભથ્થું (DA) કુલ પગાર (CTC) ના ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. હાલમાં ઘણી કંપનીઓમાં બેઝિક સેલેરી ઓછી રાખીને ભથ્થાં વધારે આપવામાં આવે છે, જે હવે બદલાશે.

આ ફેરફાર પારદર્શિતા લાવશે અને કર્મચારીઓની સામાજિક સુરક્ષા મજબૂત કરશે, પરંતુ તેની સીધી અસર ટેક-હોમ સેલેરી પર પડી શકે છે.

શું તમારો ઇન-હેન્ડ પગાર ઘટશે?

હા, નવા શ્રમ સુધારાથી ઇન-હેન્ડ પગાર પર અસર પડી શકે છે. ટીમલીઝ સર્વિસીસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બાલાસુબ્રમણ્યમ એ. ના જણાવ્યા અનુસાર, હવે પ્રોવિડન્ટ ફંડ (PF) નું યોગદાન કુલ CTC ના 50% પર ગણવામાં આવશે.

જો તમારો કુલ પગાર (CTC) એટલો જ રહે છે, તો બેઝિક સેલેરી વધવાથી PF કપાત (12%) વધશે. PF કપાત વધવાથી તમારા હાથમાં આવતી રોકડ રકમ (Take-home Salary) ઘટી શકે છે. જોકે, આનો ફાયદો નિવૃત્તિ સમયે મોટી રકમ સ્વરૂપે મળશે.

કોને અસર થશે અને કોને નહીં?

ઓછી અસર: જે કર્મચારીઓ હાલમાં લઘુત્તમ EPF (દર મહિને ₹1,800) ભરી રહ્યા છે, તેમને કોઈ ખાસ અસર થશે નહીં.

વધુ અસર: ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓને વધુ અસર થઈ શકે છે. જોકે, તેમની પાસે એક વિકલ્પ છે. તેઓ તેમના HR વિભાગને જાણ કરીને PF યોગદાનને ₹1,800 સુધી મર્યાદિત કરાવી શકે છે, જેથી ઇન-હેન્ડ પગાર જળવાઈ રહે.

લઘુત્તમ વેતનમાં વધારો: કોને ફાયદો?

નવા લેબર કોડમાં 'નેશનલ ફ્લોર વેજ' (રાષ્ટ્રીય લઘુત્તમ વેતન) ની જોગવાઈ છે. બાલાસુબ્રમણ્યમના મતે, ભારતના લગભગ 90% કર્મચારીઓ ₹25,000 કે તેથી ઓછું કમાય છે. લઘુત્તમ વેતનમાં સુધારો થવાથી આ વર્ગના પગારમાં ખરેખર વધારો થઈ શકે છે.

ગ્રેચ્યુઈટીના નિયમોમાં મોટો ફેરફાર

કર્મચારીઓ માટે સૌથી સારા સમાચાર ગ્રેચ્યુઈટી (Gratuity) ના નિયમોમાં ફેરફાર છે.

જૂના નિયમ પ્રમાણે, ગ્રેચ્યુઈટી મેળવવા માટે સતત 5 વર્ષની નોકરી ફરજિયાત હતી. હવે નવા નિયમ પ્રમાણે, હવે માત્ર 1 વર્ષની સેવા બાદ કર્મચારી ગ્રેચ્યુઈટી માટે પાત્ર ગણાશે. આ ફેરફાર આજની યુવા પેઢી માટે ખૂબ જ ફાયદાકારક છે, જેઓ કારકિર્દીની શરૂઆતમાં વારંવાર નોકરી બદલતા હોય છે. હવે 12 મહિનાના કામ બદલ 15 દિવસના પગાર જેટલી ગ્રેચ્યુઈટી મળશે.

નિયમો કોને લાગુ પડશે?

આ નવા નિયમોનો વ્યાપ ઘણો મોટો છે. તે માત્ર કાયમી સરકારી કે ખાનગી કર્મચારીઓ પૂરતો સીમિત નથી, પરંતુ કોન્ટ્રાક્ટ વર્કર્સ, ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પણ આ નવા શ્રમ સંહિતા હેઠળ આવરી લેવામાં આવશે.