Indian Agriculture Growth Rate 2026: દેશના અન્નદાતાઓ અને કૃષિ ક્ષેત્રને લઈને એક અત્યંત સકારાત્મક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક દાયકામાં ભારતીય ખેડૂતોની આવકમાં 138 ટકા સુધીનો મસમોટો વધારો નોંધાયો છે. નીતિ આયોગના પૂર્વ સભ્ય અને જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી રમેશ ચંદના જણાવ્યા અનુસાર, આઝાદી પછીનો વિતેલો દાયકો ભારતીય કૃષિ ઇતિહાસ માટે સુવર્ણકાળ સાબિત થયો છે, જેમાં ખેડૂતોને સૌથી વધુ આર્થિક લાભ મળ્યો છે.
2015-26 વચ્ચે કૃષિ ક્ષેત્રનો ઐતિહાસિક વિકાસ દર
રાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્ત્ર અને નીતિ સંશોધન કેન્દ્રના પૂર્વ નિયામક રમેશ ચંદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, વર્ષ 2015 થી 2026 દરમિયાન ભારતીય કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોએ સરેરાશ 4.45 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર (Annual Growth Rate) હાંસલ કર્યો છે.
આ આંકડો ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. વર્ષ 2015 પહેલાના કોઈપણ દાયકામાં ભારતીય કૃષિ ક્ષેત્રે સતત 10 વર્ષ સુધી4.4 ટકાનો ગ્રોથ રેટ ક્યારેય જાળવી રાખ્યો ન હતો. વર્ષ 2016-17માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'ખેડૂતોની આવક બમણી કરવાના' જે સંકલ્પની જાહેરાત કરવામાં આવી હતી, તેના પરિણામો હવે જમીની સ્તરે દેખાઈ રહ્યા છે.
MSPના નવા ફોર્મ્યુલાએ બદલી તસવીર
ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં વર્ષ 2018માં સરકાર દ્વારા લેવાયેલો નીતિગત નિર્ણય સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. 2018માં કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માટે નવો ફોર્મ્યુલા અમલમાં મૂક્યો હતો.
આ ફોર્મ્યુલા અંતર્ગત ખેડૂતોને ખેતીના કુલ ખર્ચ (લાગત) અને પારિવારિક શ્રમના આધારે ઓછામાં ઓછો 50 ટકા વધુ નફો મળે તેવી ગેરંટી આપવામાં આવી છે. કૃષિ નિષ્ણાતો આ પગલાંને ભારતીય કૃષિ ઇતિહાસમાં આવક વધારનારું સૌથી મોટું કદમ માની રહ્યા છે.
ચીનને પછાડી ભારત બન્યું વૈશ્વિક લીડર
વૈશ્વિક સ્તરે કૃષિ ઉત્પાદનમાં 1 ટકાથી વધુ હિસ્સો ધરાવતા તમામ અગ્રણી દેશોની સરખામણીમાં ભારતનો કૃષિ વિકાસ દર હાલમાં દુનિયામાં સૌથી વધુ છે. અગાઉ આ યાદીમાં ચીન મોખરાના સ્થાને હતું, પરંતુ ભારતે હવે ચીનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમ (Number One) હાંસલ કરી લીધો છે.
પીએમ મોદીને 'એગ્રીકોલા મેડલ' સન્માન
રોમ સ્થિત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત 'એગ્રીકોલા મેડલ' (Agricola Medal)થી સન્માનિત કરવામાં આવ્યા છે. રમેશ ચંદના મતે, આ આંતરરાષ્ટ્રીય સન્માન ભારતમાં કૃષિ વિકાસ, ખાદ્ય સુરક્ષા અને ગરીબી નિર્મૂલન દિશામાં થયેલા શ્રેષ્ઠ કાર્યોની વૈશ્વિક સ્વીકૃતિ છે. વડાપ્રધાન મોદીએ આ મેડલ દેશના કરોડો ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોના ચરણોમાં સમર્પિત કર્યો છે.
