Aadhaar Deactivation News: આજના સમયમાં આધાર કાર્ડ માત્ર એક ઓળખ પત્ર નથી, પરંતુ બેંકિંગથી લઈને સરકારી યોજનાઓના લાભ મેળવવા માટેનું અનિવાર્ય માધ્યમ છે. આધાર ડેટાની સચોટતા અને સુરક્ષા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરના અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં દેશમાં 2.5 કરોડથી વધુ આધાર કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
કેન્દ્રીય આઈટી મંત્રી જિતિન પ્રસાદાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં અંદાજે 1.34 અબજ લોકો આધાર કાર્ડ ધરાવે છે. સરકારની પ્રાથમિકતા ડેટાને સચોટ અને અપડેટ રાખવાની છે. આ 2.5 કરોડ નિષ્ક્રિય કરાયેલા આધાર કાર્ડ મુખ્યત્વે મૃત વ્યક્તિઓના છે. ડેટાબેઝની સફાઈ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકોના આધાર કાર્ડનો ઉપયોગ કરીને અનેક જગ્યાએ સરકારી સબસિડી અને યોજનાઓનો ગેરકાયદેસર લાભ લેવામાં આવતો હતો. આ પગલાથી સરકારી તિજોરી પર પડતો ખોટો બોજ ઘટશે અને છેતરપિંડીના કિસ્સાઓ અટકશે.
વધારે સુરક્ષા માટે નવી ટેકનોલોજી
માત્ર કાર્ડ નિષ્ક્રિય કરવા પૂરતું નહીં, પરંતુ ડેટાને વધુ મજબૂત બનાવવા માટે UIDAI એ નવી ટેકનોલોજી રજૂ કરી છે:
બાયોમેટ્રિક લોકિંગ: હવે નાગરિકો પોતાની સંમતિ વિના ફિંગરપ્રિન્ટ કે આઇરિસનો ઉપયોગ ન થાય તે માટે તેને લોક કરી શકે છે.
ફેસ ઓથેન્ટિકેશન:વ્યવહાર સમયે વ્યક્તિ પોતે હાજર છે કે નહીં તેની ખાતરી કરવા માટે ચહેરાની ઓળખની સિસ્ટમ ઉમેરવામાં આવી છે.
સુરક્ષિત QR કોડ: ઇન્ટરનેટ વિના પણ ઓળખની ખાતરી માટે અત્યાધુનિક QR કોડની સુવિધા આપવામાં આવી છે.
તમારું આધાર સક્રિય છે કે નહીં તે કેવી રીતે તપાસશો?
જો તમને શંકા હોય કે તમારું આધાર કાર્ડ ભૂલથી નિષ્ક્રિય થઈ ગયું છે, તો તમે નીચેના સ્ટેપ્સ અનુસરી શકો છો:
- UIDAI ની સત્તાવાર વેબસાઇટ (myaadhaar.uidai.gov.in) અથવા mAadhaar એપ પર જાઓ.
- Check Aadhaar Status વિકલ્પ પસંદ કરો.
- તમારો 12 આંકડાનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
- જો તમારો આધાર નંબર સક્રિય હશે, તો સ્ક્રીન પર 'Aadhaar Exists' અથવા 'Active' લખેલું જોવા મળશે.
તમારા આધાર કાર્ડને હંમેશા અપડેટ રાખો. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય, તો સરકારના નિયમ મુજબ તેને ઓનલાઇન કે નજીકના આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરાવવું હિતાવહ છે.
