GK Energy IPO Listing Updates: સોલર એનર્જી સેક્ટરની કંપની જીકે એનર્જીનું આજે 26 સપ્ટેમ્બરે શેરબજારમાં લિસ્ટિંગ રોકાણકારો માટે ખુશીઓ લઈને આવ્યું છે. BSE પર શેર લગભગ 8 ટકાના પ્રીમિયમ સાથે 165 પર અને NSE પર લગભગ 12 ટકાના પ્રીમિયમ સાથે 171 પર લિસ્ટ થયો છે. IPOની ઇશ્યૂ કિંમત 153 હતી.
જીકે એનર્જી IPOનું કદ 464.26 કરોડ હતું. આ ઇશ્યૂમાં 400 કરોડના 2.61 કરોડ નવા શેર જારી કરવામાં આવ્યા હતા અને સાથે જ 64.26 કરોડના 42 લાખ શેરોની ઓફર ફોર સેલ હતી. આ IPO 19 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને 23 સપ્ટેમ્બરે 93.58 ગણા સબસ્ક્રિપ્શન સાથે બંધ થયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 193 ગણો, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે 128.56 ગણો અને રિટેલ રોકાણકારો માટે 21.78 ગણો ભરાયો હતો.
જીકે એનર્જીના શેર રાખવા કે વેચી દેવા
નિષ્ણાંતોનું માનવું છે કે આ એક સોલર કંપની હોવાથી તેનું વધુ રિટર્ન તાત્કાલિક મળશે નહિ. આ લોંગ ટર્મમાં ફાયદો કરાવનારી કંપની છે. જો કે આ દરમિયાન શેર ઉપર-નીચે પણ થઈ શકે છે. માટે જો તેનાથી તમને વાંધો ન હોય તો તેને લાંબા સમય માટે રાખી શકો છો. બાકી તેને સેલ કરી શકો છો.
કંપની શું કરે છે?
જીકે એનર્જી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાના કમ્પોનન્ટ-બી હેઠળ સોલર એનર્જીથી ચાલતા કૃષિ વોટર પંપ સિસ્ટમ્સ માટે એન્જિનિયરિંગ, ખરીદી અને કમિશનિંગ (EPC) સેવાઓ પૂરી પાડે છે. આ કંપની ખેડૂતોને આ પંપ સિસ્ટમ્સના સર્વે, ડિઝાઇન, સપ્લાય, એસેમ્બલી, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને જાળવણી માટે એન્ડ-ટુ-એન્ડ સિંગલ સોર્સ સોલ્યુશન પૂરો પાડે છે.
IPOના નાણાંનો ઉપયોગ કેવી રીતે થશે?
IPOમાં નવા શેર જારી કરીને મેળવેલા નાણાંનો ઉપયોગ કંપની તેની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. નાણાકીય વર્ષ 2025માં જીકે એનર્જીની કુલ આવક ₹1099.18 કરોડ, ચોખ્ખો નફો ₹133.21 કરોડ અને EBITDA ₹199.69 કરોડ હતો. કંપની પર કુલ ₹217.79 કરોડનું દેવું હતું.
(નોંધ - કોઈ પણ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ જરુર લેવી)
