Gold Silver Price Today: વૈશ્વિક સ્તરેથી મળેલા મજબૂત સંકેત અને US ડોલર નબળો પડતા આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી છે. દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 5,000 ઉછળી રૂપિયા 1.44 લાખ થયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે એપ્રિલ મહિના માટેનો કોન્ટ્રેક્ટ રૂપિયા 5,091 એટલે કે 3.66 ટકા ઉછળી રૂપિયા 1,44,003 થયો છે.
અમદાવાદ ચાંદી છેલ્લા 2 દિવસમાં 30 હજાર વધી
અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આજે અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2,30,000થી રૂપિયા 15,000 ઉછળી રૂપિયા 2,45,000 થયો છે. આ સાથે છેલ્લા બે દિવસમાં અમદાવાદ ચાંદી રૂપિયા 2,15,000થી રૂપિયા 30,000 ઉછળી રૂપિયા 2,45,000 થઈ ગઈ છે.
બીજી બાજુ અમદાવાદ ખાતે સોનાની કિંમતમાં શુદ્ધ સોનું (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 4,500 ઉછળી રૂપિયા 1,50,000 થયો છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 4,500 વધી રૂપિયા 1,49,700 થયો છે. આ સાથે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 9,500નો ઉછાળો આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી
ઈન્ટરનેશનલ સ્તરે સોનાનો ભાવ 182.26 ડોલર એટલે કે 4.14 ટકા વધી રૂપિયા 4,582.44 ડોલર રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 3.91 ડોલર એટલે કે 5.64 ટકા વધી 73.26 ડોલર રહ્યો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે જે તંગદિલી ચાલી રહી છે તેને લીધે ભૂરાજકિય ચિંતા(Geopolitical Tensions)નો માહોલ સર્જાતા અને વિશ્વમાં ફુગાવાજન્ય સ્થિતિ વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા નહીંવત બનતા સોના ચાંદીમાં આ સપ્તાહે તેજી જોવા મળી રહી છે. દરમિયાન વિશ્વભરની મધ્યસ્થ બેન્કો તરફથી વર્ષ 2026માં સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. ચીન તથા કઝાખસ્તાન તરફથી મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી રહી છે.
